અમદાવાદ: શહેરમાં ફૂડ સેફ્ટીના નામે ચાલતી બેદરકારીએ આજે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બજારમાંથી લાવેલા તૈયાર ઢોંસાના ખીરાએ ઝેરનું કામ કર્યું, જેના કારણે બે નિર્દોષ બાળકીઓએ જીવ ગુમાવ્યો છે. આ કરુણ ઘટનાએ સમગ્ર રાજ્યમાં તૈયાર ખાદ્યપદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
મળતી વિગતો અનુસાર, ચાંદખેડામાં રહેતા એક પરિવારે રાત્રિના ભોજનમાં બજારમાંથી તૈયાર લાવેલા ખીરામાંથી ઢોંસા બનાવ્યા હતા. ભોજન લીધાના થોડા જ સમયમાં પરિવારના તમામ સભ્યોની તબિયત લથડી હતી અને તેમને સતત ઉલટી-ઝાળા થવા લાગ્યા હતા. કમનસીબે, ઝેરી અસર એટલી ગંભીર હતી કે 3 મહિનાની દૂધમલી બાળકી અને 4 વર્ષની માસૂમ દીકરીનું કરુણ અવસાન થયું છે. હાલમાં બાળકીઓના માતા-પિતા હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માત્ર કાગળ પર જ કામગીરી કરે છે. માર્કેટમાં મળતા તૈયાર લોટ અને ખીરામાં કેવી ગુણવત્તા છે તેની તપાસ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. ચર્ચા એવી પણ છે કે તંત્રના અધિકારીઓ ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે આવી ગંભીર ફરિયાદો પર ધ્યાન આપવામાં વિલંબ થયો, જે અંતે બે જીવલેણ સાબિત થયો.
ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એફએસએલ (FSL) અને ફૂડ વિભાગની ટીમે જે દુકાન કે સ્થળેથી ખીરું લેવામાં આવ્યું હતું ત્યાંથી સેમ્પલ મેળવ્યા છે. ખીરામાં કયા પ્રકારનું ઝેરી તત્ત્વ અથવા ભેળસેળ હતી તેનું રહસ્ય લેબોરેટરી રિપોર્ટ બાદ જ ખુલશે.