Advertisement

SustainX 2026: CVM યુનિવર્સિટી દ્વારા ટકાઉ ભવિષ્ય માટે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન

SustainX 2026: CVM યુનિવર્સિટી દ્વારા ટકાઉ ભવિષ્ય માટે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન

વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM યુનિવર્સિટી દ્વારા “Shaping Smarter, Greener & Inclusive Societies” થીમ સાથે બીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ SustainX 2026નું ભવ્ય ઉદ્ઘાટન 30 એપ્રિલે GCET ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચારુતર વિદ્યામંડળના પ્રમુખ અને CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલ અધ્યક્ષસ્થાને રહ્યા હતા, જ્યારે માનદ સહમંત્રી શ્રી મેહુલ પટેલ, પ્રોવોસ્ટ પ્રો. ડો. ઇન્દ્રજીત પટેલ અને સેમકોમના પ્રિન્સિપાલ ડો. પ્રીતિ લુહાણા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.


પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત આ કોન્ફરન્સ આજના સમયમાં અત્યંત પ્રાસંગિક છે. તેમણે ઉમેર્યું કે નવીનતાની સાથે AIનો ઉપયોગ નૈતિકતા અને જવાબદારીપૂર્વક થવો જોઈએ, જેથી સમાજના દરેક વર્ગને ટકાઉ વિકાસનો લાભ મળી શકે. માનદ સહમંત્રી શ્રી મેહુલ પટેલે જણાવ્યું કે SustainX 2026 ટેકનોલોજી, મેનેજમેન્ટ અને સામાજિક વિજ્ઞાન વચ્ચે સેતુ બાંધીને સ્માર્ટ અને સર્વસમાવેશક ભવિષ્ય માટે માર્ગદર્શક બની રહેશે.


પ્રોવોસ્ટ પ્રો. ડો. ઇન્દ્રજીત પટેલે યુનિવર્સિટીના ‘જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞાન’ના મૂલ્યો પર ભાર મૂકતા જણાવ્યું કે આ કોન્ફરન્સ આંતરશાખાકીય સંશોધનને પ્રોત્સાહિત કરી વધુ ટકાઉ અને પ્રગતિશીલ સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.


આ પ્રસંગે રજિસ્ટ્રાર પ્રો. ડો. સંદીપ વાલિયાએ જણાવ્યું કે ટેકનોલોજીના યુગમાં પણ માનવીય સ્પર્શનું મહત્વ અખંડ છે. તેમણે ઉલ્લેખ કર્યો કે રોબોટ દવા આપી શકે છે, પરંતુ માનવીય લાગણી આપી શકતો નથી, તેથી ટેકનોલોજી સાથે માનવ મૂલ્યોનું સંતુલન જાળવવું જરૂરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે GCET અને SEMCOM કેમ્પસમાં યોજાતું આ ત્રિદિવસીય સંમેલન વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે વૈશ્વિક નિષ્ણાતો સાથે સંવાદ અને અદ્યતન સંશોધન સમજવાની અનોખી તક પૂરી પાડશે.


આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. ઇન્દ્રજીત પટેલ અને રજિસ્ટ્રાર પ્રો. ડો. સંદીપ વાલિયાના દુરંદેશી માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું છે, જે યુનિવર્સિટીને વૈશ્વિક શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ટકાઉ નવીનતાના કેન્દ્ર તરીકે સ્થાપિત કરી રહ્યું છે.


અંતમાં, CVM યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને ગવર્નિંગ બોડીના સભ્યોએ GCET અને SEMCOMની આયોજક સમિતિઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ પહેલને આંતરરાષ્ટ્રીય સંશોધન સહયોગને પ્રોત્સાહન આપતી અને ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી હતી. કાર્યક્રમના અંતે ડો. પ્રીતિ લુહાણાએ આભાર વિધિ કરી હતી.

Advertisement