સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે વીજળીના વધતા ખર્ચ અને અનિયમિત પાવર સપ્લાયની સમસ્યા ચિંતાનો વિષય બની છે. એક તરફ વીજળીના બિલમાં યુનિટ દીઠ 60થી 70 પૈસાનો વધારો થયો છે, તો બીજી તરફ દોઢથી બે કલાક સુધીના પાવર કટને કારણે મિલોના ઉત્પાદન પર અસર પડી રહી છે. આ બંને સમસ્યાઓના કારણે સુરતની અંદાજે 450 જેટલી મિલોના સંચાલકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
વીજળીના બિલમાં લાખો રૂપિયાનો વધારો
વીજળીના નવા ચાર્જને કારણે ટેક્સટાઇલ મિલોના ઉત્પાદન ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે. અગાઉ એક યુનિટ વીજળીનો ખર્ચ 7થી 7.50 રૂપિયા હતો, જે હવે વધીને 8.50થી 9 રૂપિયા સુધી પહોંચ્યો છે. પરિણામે, એક મિલના ખર્ચમાં અંદાજે 4થી 5 લાખ રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. છેલ્લા બે વર્ષ દરમિયાન માસિક વીજળીના બિલમાં પણ 5થી 6 લાખ રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો હોવાનું ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જણાવી રહ્યા છે.
અનિયમિત વીજળીથી મશીનરી અને ઉત્પાદનને નુકસાન
ટેક્સટાઇલ ઉદ્યોગમાં આધુનિક અને સેન્સર આધારિત મશીનરીનો ઉપયોગ થાય છે. જોકે, વીજળીના વારંવાર આવતા કાપ અને અચાનક સપ્લાય બંધ થવાથી મશીનોને નુકસાન થવાનો ભય રહે છે. વીજળી ફરી શરૂ થયા બાદ મશીનોને કાર્યરત કરવામાં સમય લાગે છે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા ખોરવાય છે અને સમયની સાથે આર્થિક નુકસાન પણ વધે છે.
વીજળીના ભાવ કરતાં નિયમિત સપ્લાયની વધુ ચિંતા
સુરત મિલ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તરે ફ્યુઅલના ભાવમાં વધારાને કારણે વીજળીના ખર્ચમાં વધારો થયો છે. જોકે, ઉદ્યોગકારોની મુખ્ય માંગ નિયમિત વીજ પુરવઠાની છે. તેમણે જણાવ્યું કે વીજળી માટે થોડા પૈસા વધારે ચૂકવવા પડે તો પણ વાંધો નથી, પરંતુ સપ્લાય સતત અને કોઈપણ પ્રકારના સ્ટોપેજ વગર મળવો જોઈએ. ખાસ કરીને છથી સાત દિવસ સુધી અવિરત વીજ પુરવઠો મળે તો મિલોના સંચાલનમાં સરળતા રહે અને નુકસાન ટાળી શકાય.
સરકાર અને વીજ કંપની પાસે ઉદ્યોગકારોની અપેક્ષા
ટેક્સટાઇલ મિલ સંચાલકોનું કહેવું છે કે હાઈ ટેન્શન ચાર્જ વસૂલવામાં આવતો હોય તો તેની સામે નિયમિત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવો જોઈએ. જનરેટર દ્વારા વીજળી મેળવવી ખર્ચાળ હોવાથી દરેક મિલ માટે આ વિકલ્પ વ્યવહારુ નથી.
હવે જોવાનું એ રહેશે કે વીજળીના વધતા ખર્ચ અને અનિયમિત સપ્લાયની સમસ્યાનો ઉકેલ લાવવા તંત્ર દ્વારા કેવાં પગલાં લેવામાં આવે છે. કારણ કે, આ સમસ્યા લાંબા સમય સુધી યથાવત રહેશે તો સુરતના કાપડ ઉદ્યોગના ઉત્પાદન, વેપાર અને રોજગારી પર તેની ગંભીર અસર પડી શકે છે.