Advertisement

સુરતના સ્વામિનારાયણ મંદિરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળતાં ચકચાર, પોલીસ તપાસ શરૂ

સુરતના સ્વામિનારાયણ મંદિરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળતાં ચકચાર, પોલીસ તપાસ શરૂ

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ સણીયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે યુવતીઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ભય અને ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો. માહિતી મળતા જ ડીંડોલી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર પરિસરને કોર્ડન કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.


મળતી માહિતી અનુસાર, ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ સવારે કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. જોકે લાંબા સમય સુધી બંને યુવતીઓ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બની ગયા હતા અને તેમની શોધખોળ શરૂ કરી હતી. મૃતક યુવતીઓની ઓળખ 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી તરીકે થઈ છે. પરિવારજનોએ બંનેને સતત ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ ન મળતા ચિંતા વધી હતી.


શોધખોળ દરમિયાન આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર પરિસરના બાથરૂમમાંથી બંને યુવતીઓના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. આ માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. યુવતીઓના મોત પાછળ આત્મહત્યા, આકસ્મિક ઘટના કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે તપાસ ચાલી રહી છે. મંદિર જેવા પવિત્ર સ્થળે બે યુવાન દીકરીઓના રહસ્યમય મોતથી અનેક સવાલો ઉભા થયા છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ ઘટનાના સાચા કારણ અંગે સ્પષ્ટતા થઈ શકશે.

Advertisement