સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ગેરકાયદેસર કીટનાશક ઉત્પાદનનો મોટો કૌભાંડ સામે આવ્યો છે. ‘સેન્ડોઝ એગ્રી ઇન્ડિયા’ નામની કંપની પર ખેતીવાડી વિભાગ અને પાલોદ પોલીસે સંયુક્ત દરોડો પાડી બિનરજીસ્ટર્ડ ઝેરી દવાઓ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે, જેને કારણે વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે ફેક્ટરીમાં કેન્દ્રીય કીટનાશક બોર્ડના રજિસ્ટ્રેશન વગર જોખમી દવાઓનું ઉત્પાદન કરવામાં આવતું હતું. સંચાલકોએ એક સ્થળ માટે લાયસન્સ મેળવી બીજા સ્થળે મોટા પ્રમાણમાં દવાનો જથ્થો સંગ્રહ કર્યો હતો. સાથે જ સ્ટોક રજિસ્ટર અને બિલિંગમાં પણ ગંભીર ગેરરીતિઓ સામે આવી છે.
આ મામલે પોલીસે કડક કલમો હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપીની અટકાયત કરી છે. ખેતીવાડી વિભાગે દવાના નમૂનાઓ લેબ ટેસ્ટ માટે મોકલ્યા છે અને હવે આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે તેમજ ખેડૂતો સુધી કેટલી નકલી દવાઓ પહોંચાડી છે તે અંગે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.