Advertisement

સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટમાં આગ ચોથા દિવસે યથાવત, પ્રદૂષણમાં વધારો

સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટમાં આગ ચોથા દિવસે યથાવત, પ્રદૂષણમાં વધારો

સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ ચોથા દિવસે પણ યથાવત રહી છે અને ફાયર વિભાગ દ્વારા લાખો લિટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હોવા છતાં આગ કાબૂમાં આવી નથી. JCB અને ક્રેન જેવી મશીનરીનો ઉપયોગ કરીને આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સ્થિતિ હજુ ગંભીર છે અને આગ લાગવાનું કારણ હજી અકબંધ છે.

મંગળવારે બપોરે લાગેલી આ આગને બુઝાવવા માટે 50થી વધુ ફાયર કર્મચારીઓ સતત કામગીરીમાં જોડાયેલા છે અને અત્યાર સુધી 25 લાખ લિટરથી વધુ પાણી વપરાયું છે. તેમ છતાં આગ ક્યારે કાબૂમાં આવશે તે અંગે અનિશ્ચિતતા છે. મહત્વની વાત એ છે કે બે મહિનામાં આ બીજી વાર આગ લાગી છે, જેના કારણે આ ઘટના શંકાસ્પદ માનવામાં આવી રહી છે.

ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર કચરાના નિકાલમાં પણ મોટી બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સી દ્વારા 30 લાખ ટનમાંથી માત્ર 14 લાખ ટન કચરાનો જ નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે 16 લાખ ટન કચરો બાકી છે. આ સ્થિતિ પાલિકા માટે માથાનો દુખાવો બની ગઈ છે અને સાઇટ પર સતત સમસ્યાઓ ઊભી થઈ રહી છે.

આ આગને કારણે વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું છે, જ્યારે જીપીસીબીના રિપોર્ટમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું ઉલ્લંઘન થયાનું સામે આવ્યું છે. આ મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે અને સમગ્ર ઘટનાને લઈને હવે રાજકીય અને પ્રશાસનિક સ્તરે ચર્ચા તેજ બની છે.

Advertisement