સુરતના કાપોદ્રા વિસ્તારમાં મુસાફરો ભરેલી એસટી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વરાછા-કાપોદ્રા મેઈન રોડ પર બસ ચાલી રહી હતી ત્યારે ડ્રાઈવર સાઈડમાંથી ધુમાડો નીકળતા જ ડ્રાઈવરે સમયસર નિર્ણય લઈ બસ રસ્તાની વચ્ચે જ ઉભી રાખી દીધી હતી.
ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે અંદર સવાર તમામ 51 મુસાફરોને તાત્કાલિક બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. મુસાફરો નીચે ઉતર્યા બાદ ગણતરીની સેકન્ડોમાં જ આખી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી અને થોડા જ સમયમાં બળીને ખાખ થઈ ગઈ હતી.
આ ઘટના સ્થળની નજીક પેટ્રોલ પંપ હોવાને કારણે મોટી દુર્ઘટનાનો ભય પણ ઉભો થયો હતો. ટ્રાફિક ભારે હોવાના કારણે ફાયર બ્રિગેડને સ્થળ પર પહોંચવામાં મુશ્કેલી પડી હતી, છતાં અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિકને નિયંત્રિત કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.