ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સુરત ખાતે યોજાયેલા ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-૨૦૨૬’ અને ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન-૨૦૨૬’માં આદિવાસી હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનોને વિશેષ સ્થાન મળ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયેલા ટ્રાયબલ હેરિટેજ વિભાગે મુલાકાતીઓનું વિશેષ ધ્યાન આકર્ષ્યું હતું. તા. ૧ થી ૫ મે દરમિયાન યોજાયેલા આ પ્રદર્શનમાં આદિવાસી હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનોના ૨૫ સ્ટોલ્સ પર પાંચ દિવસમાં રૂ. ૫.૩૧ લાખથી વધુનું વેચાણ નોંધાયું હતું.
આ સ્ટોલ્સમાં બાંબુ હસ્તકલા, લાકડાના આર્ટિફેક્ટ્સ, પરંપરાગત આભૂષણો, હેન્ડલૂમ વસ્ત્રો, શુદ્ધ વનૌષધિઓ તેમજ પ્રાકૃતિક ખાદ્ય વાનગીઓ મુખ્ય આકર્ષણ બન્યા હતા. વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આદિવાસી હસ્તકલાકારો દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનોને દેશ-વિદેશના ડેલિગેટ્સ અને મુલાકાતીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ વેચાણથી મળેલી આવક સીધી જ હસ્તકલાકારોને કોઈપણ ખર્ચ વિના પ્રાપ્ત થઈ હતી.
આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ આદિજાતિ વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં આદિવાસી સમુદાયોની પરંપરાગત કળા, વસ્ત્રો, વનૌષધિ, જીવનશૈલી અને સાંસ્કૃતિક પરંપરાઓનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કુલ ૩૮ આદિવાસી હસ્તકલાકારોને આ વૈશ્વિક પ્લેટફોર્મ પર પોતાની કળા રજૂ કરવાની તક મળી હતી. રાજ્ય સરકાર દ્વારા તમામ કલાકારોના વાહનવ્યવહાર તેમજ રહેવા-જમવાની સુવિધાનો ખર્ચ પણ વહન કરવામાં આવ્યો હતો.
પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય મંત્રી જયરામ ગામીત સહિતના મહાનુભાવોએ હાજરી આપી આદિવાસી હસ્તકલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. ઉપરાંત, ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીના કાર્યપાલક નિયામક ડૉ. સી.સી. ચૌધરીએ “આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં પ્રવાસનને પ્રોત્સાહન” વિષય પર પેનલ ડિસ્કશનમાં મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા.
આ સમગ્ર આયોજનથી સ્પષ્ટ થયું છે કે વાઇબ્રન્ટ ગુજરાત માત્ર ઉદ્યોગ અને રોકાણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ રાજ્યના આદિવાસી સમાજના આર્થિક સશક્તિકરણ અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવાનું પણ એક મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે.