ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આવનાર ૧ અને ૨ મે, ૨૦૨૬ના રોજ સુરતમાં યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC)ના આયોજન અને તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે આ કોન્ફરન્સ માત્ર એક ઇવેન્ટ નહીં પરંતુ સમગ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના આર્થિક વિકાસ માટેનો મહત્વપૂર્ણ રોડમેપ સાબિત થશે.
તેમણે વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ યોજાનાર VGRC દ્વારા સુરત સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કુલ ૧૬ જિલ્લાઓની ઔદ્યોગિક ક્ષમતાને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન મળશે. આમાં સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, વલસાડ ઉપરાંત અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, નર્મદા, પંચમહાલ અને વડોદરા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે.
કોન્ફરન્સમાં પરંપરાગત ઉદ્યોગો સાથે ભાવિ ઉદ્યોગો પર વિશેષ ફોકસ રહેશે. જેમાં રસાયણ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ, જેમ્સ-જ્વેલરી, ગ્રીન એનર્જી, ફિનટેક, એરોસ્પેસ, સંરક્ષણ અને IT/ITeS જેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવામાં આવશે.
સાથે જ પ્રાદેશિક પ્રદર્શન, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઇન્ટરનેશનલ રિવર્સ બાયર-સેલર મીટ દ્વારા સ્થાનિક ઉદ્યોગકારોને વૈશ્વિક બજારો સાથે જોડવાની તક મળશે. વિવિધ સેમિનાર દ્વારા ઉદ્યોગ ક્ષેત્રની તકો અને પડકારો પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ પણ યોજાશે.
આ કોન્ફરન્સમાં થતા રોકાણો અને ઉપલબ્ધિઓને આગામી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’માં રજૂ કરવામાં આવશે, જે રાજ્યના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપશે..