સુરત: શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં ટ્રક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આંતરરાજ્ય કનેક્શન ધરાવતા હોવાની આશંકા વચ્ચે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ લાંબા સમય સુધી એક જ જગ્યાએ પાર્ક રહેતાં વાહનોની રેકી કરતા અને તક મળતાં જ ટ્રકની ચોરી કરી લેતા હતા. ત્યારબાદ વાહનને અવાવરુ જગ્યાએ લઈ જઈ ખોટી નંબર પ્લેટ લગાવતા અને ગેસ કટરથી તેના ટુકડા કરીને ભંગારમાં વેચી દેતા હતા.
ચાર દિવસ CCTV ફૂટેજ તપાસ્યા બાદ પોલીસને મળી સફળતા
ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ટ્રક ચોરીની ફરિયાદ નોંધાયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે શહેર અને હાઈવેના વિવિધ માર્ગો પર લાગેલા CCTV કેમેરાનાં ફૂટેજની સતત ચાર દિવસ સુધી તપાસ કરી હતી.
ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. ત્યારબાદ પલસાણા તાલુકાના દસ્તાન ગામમાં આવેલી વિનાયક વિલા સોસાયટી નજીક વોચ ગોઠવવામાં આવી હતી. અહીં દરોડો પાડીને પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા.
મુખ્ય સૂત્રધાર ડ્રાઈવર, સાથીદાર ભંગારના કામ સાથે સંકળાયેલો
પોલીસે પકડેલા આરોપીઓની ઓળખ મુજ્જમ્મીલ ખાન મોઇનુદ્દીન ખાન (ઉંમર 30 વર્ષ) અને અઝહર સફીક શેખ (ઉંમર 19 વર્ષ) તરીકે થઈ છે.
મુજ્જમ્મીલ ખાન વ્યવસાયે ડ્રાઈવર છે અને મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું જણાવાયું છે. તે હાલમાં બારડોલીના દસ્તાન ફાટક વિસ્તારમાં રહેતો હતો. જ્યારે અઝહર સફીક શેખ ભંગારની મજૂરી કરતો હતો અને પલસાણાના દસ્તાન ગામની ક્રિષ્ના વિલા સોસાયટીમાં રહેતો હતો.
પ્રાથમિક વિગતો મુજબ, બંને આરોપીઓની ભૂમિકા અલગ-અલગ હતી. એક આરોપી વાહન ચલાવીને લઈ જવામાં સક્ષમ હતો, જ્યારે બીજો વાહનનું કટિંગ કરીને તેના પાર્ટ્સ ભંગારમાં વેચવાની પ્રક્રિયા સાથે સંકળાયેલો હતો.
ખોટી નંબર પ્લેટ લગાવી ગેસ કટરથી ટ્રકના ટુકડા કરતા
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપીઓ દિવસ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં ફરીને વાહનોની રેકી કરતા હતા. લાંબા સમયથી એક જગ્યાએ પાર્ક રહેલા ટ્રકને નિશાન બનાવી તેની ચોરી કરવામાં આવતી હતી.
ચોરી કર્યા બાદ વાહનને અવાવરુ સ્થળે લઈ જઈ તેના પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવતી હતી. ત્યારબાદ ઓક્સિજન-ગેસ કટરની મદદથી ટ્રકનું કટિંગ કરીને તેના અલગ-અલગ પાર્ટ્સ છૂટા પાડવામાં આવતા હતા. આ પાર્ટ્સ ભંગારમાં વેચીને આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
15.35 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે દરોડા દરમિયાન કુલ ₹15.35 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે:
ચોરી કરાયેલી ટ્રક નંબર GJ-05-CU-1625નું કટિંગ કરેલું ભંગાર: ₹6 લાખ
ગુનામાં ઉપયોગમાં લેવાયેલો ટાટા કંપનીનો ટ્રક ટેમ્પો નંબર GJ-07-Z-6397: ₹4 લાખ
ચાર પૈડાંવાળી કાર નંબર GJ-14-BA-3354: ₹5 લાખ
ગેસ કટર અને બે ઓક્સિજન બાટલા: ₹5 હજાર
બે એલપીજી ગેસ સિલિન્ડર: ₹5 હજાર
બે મોબાઇલ ફોન: ₹25 હજાર
ગુનો છુપાવવા માટે રાખવામાં આવેલી પાંચ અલગ-અલગ નંબર પ્લેટ
પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે લઈને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય વાહન ચોરીના ગુનાઓ પણ ઉકેલાવાની શક્યતા
બંને આરોપીઓની ધરપકડ બાદ પોલીસ હવે તેમની સાથે સંકળાયેલા અન્ય ગુનાઓની તપાસ કરી રહી છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ આ ટોળકીએ ભારે વાહનોની ચોરી કરી હતી કે કેમ, તે દિશામાં તપાસ ચાલી રહી છે.
ચોરી કરાયેલા વાહનોના પાર્ટ્સ કયા ભંગારના વેપારીઓને વેચવામાં આવતા હતા અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ, તે જાણવા પોલીસ પૂછપરછ કરી રહી છે.
ઈચ્છાપોર પોલીસની તપાસમાં હવે આ ગેંગ દ્વારા અગાઉ કરવામાં આવેલી સંભવિત વાહન ચોરીઓ અને ભંગારના વેપાર સાથે જોડાયેલા લોકો અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.