Advertisement

સુરતમાં સ્વામિનારાયણ મંદિરના સંત પ્રિયદર્શન સ્વામીનો આપઘાત, હિત રક્ષક સમિતિએ કરી કાવતરાની શંકા સાથે તપાસની માંગ

સુરતમાં સ્વામિનારાયણ મંદિરના સંત પ્રિયદર્શન સ્વામીનો આપઘાત, હિત રક્ષક સમિતિએ કરી કાવતરાની શંકા સાથે તપાસની માંગ

સુરત: સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મિશન મંદિરના સંત પ્રિયદર્શન સ્વામીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા હરિભક્તો અને સાધુ સમાજમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પ્રિયદર્શન સ્વામીએ ગત ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ કોઈ અકળ કારણોસર મોટી સંખ્યામાં ઊંઘની ગોળીઓ ગટગટાવી લીધી હતી. ઝેરી અસર થવાના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સતત ૨૦ દિવસ સુધી જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ, ૧૫મી મે ૨૦૨૬ના રોજ સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.


આ આખા મામલામાં કોઈ મોટું કાવતરું કે દબાણ હોવાની શંકા સાથે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ મેદાનમાં આવી છે. સમિતિ દ્વારા ઘટનાસ્થળની સંપૂર્ણ તપાસ, સ્વામીજીના મોબાઈલ કોલ ડિટેઇલ, મેસેજ, સીસીટીવી ફૂટેજ તથા મંદિરના તમામ સંતો અને ટ્રસ્ટીઓના નિવેદનો લઈને ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.


બીજી તરફ, ઘટનાની ગંભીરતાને જોતાં લસકાણા પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને આત્મહત્યા પાછળનું અસલી કારણ શોધવા માટે પ્રાથમિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Advertisement