સુરતના પાંડેસરા વિસ્તારમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ માટે મોકલાયેલો કઠોળનો જથ્થો એક્સપાયર્ડ હોવાનું સામે આવ્યું છે. 25થી વધુ આંગણવાડીઓમાં પહોંચેલા આ રાશનની તપાસ દરમિયાન પેકેટ પરની સમયમર્યાદા પૂર્ણ થઈ ગયેલી હોવાનું બહાર આવતાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આ ઘટનાને લઈને સગર્ભા મહિલાઓ અને નવજાત બાળકોના આરોગ્ય સાથે ચેડાં થયાના આક્ષેપો થઈ રહ્યા છે.
વેપારીના દાવા મુજબ સરકારી ગોડાઉનમાંથી જ એક્સપાયર્ડ માલ સપ્લાય કરવામાં આવ્યો હતો અને ફરિયાદ છતાં તેને પરત લેવામાં આવ્યો નથી. આંગણવાડી કાર્યકરોએ પણ હવે આ જથ્થો સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. સમગ્ર મામલે સ્થાનિકો અને કાર્યકરો દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને સપ્લાયરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.