સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એટલાન્ટા મોલ નજીક બનેલી એક ગંભીર ઘટનાએ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાવી છે. ટ્યુશનથી ઘરે પરત ફરી રહેલી 12 વર્ષની સગીરાની સાથે 40 વર્ષીય મહંમદ અઝીઝ નામના વ્યક્તિએ છેડતી કરતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સગીરાએ બહાદુરી દાખવી ચીસો પાડતા આસપાસના લોકો દોડી આવ્યા અને આરોપીને સ્થળ પર જ પકડી લીધો હતો.
ઘટનાની જાણ થતા જ લોકોનો ગુસ્સો ઉગ્ર બન્યો હતો. આરોપીને 112 કંટ્રોલ રૂમની વાનમાં બેસાડવામાં આવ્યો હતો, પરંતુ ઉશ્કેરાયેલા ટોળાએ તેને વાનમાંથી બહાર ખેંચી લઈને જાહેરમાં જ બેફામ મારપીટ કરી હતી. ઘટનાના પગલે રાત્રે આશરે 4000 જેટલા લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લેતા સ્થિતિ વધુ ગંભીર બની હતી.
પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી જોતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેમાં SPG (સરદાર પટેલ ગ્રુપ)ના કેટલાક સભ્યોને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે મજૂરા સ્થિત નિર્મલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આજ રોજ સવારે પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીને ફરી ઘટનાસ્થળે લાવવામાં આવ્યો હતો. તે દરમિયાન પણ લોકો પહેલેથી જ એકત્ર થઈ ગયા હતા અને આરોપી સામે ફરી એકવાર આક્રોશ વ્યક્ત કર્યો હતો. હાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.