Advertisement

સુરતમાં ફરી ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાના રેકેટનો પર્દાફાશ, મમતા હોસ્પિટલ સીલ

સુરતમાં ફરી ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાના રેકેટનો પર્દાફાશ, મમતા હોસ્પિટલ સીલ

સુરતના વરાછા વિસ્તારમાં ફરી એકવાર ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું મોટું નેટવર્ક ચાલતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વરાછા રોડ પર આવેલી મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ પર આરોગ્ય વિભાગે અચાનક દરોડા પાડતાં સમગ્ર ગોરખધંધાનો ભાંડો ફૂટી ગયો હતો. દરોડા દરમિયાન હોસ્પિટલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલ હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે, તે કોઈ ક્વોલિફાઇડ ડોક્ટર નહીં પરંતુ માત્ર ફાર્માસિસ્ટ છે. અગાઉ વર્ષ 2025માં પણ વરાછાની શિવાય હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરાવતા ઝડપાયો હતો. જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ તેણે ફરી મમતા હોસ્પિટલના નામે આ ગેરકાયદે ધંધો શરૂ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.


મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલની ટીમે હોસ્પિટલના પહેલા અને બીજા માળે ઓચિંતી રેડ પાડી હતી. તપાસ દરમિયાન ગેરકાયદે ગર્ભપાત માટે આવેલી ત્રણ સગર્ભા મહિલાઓ મળી આવી હતી. હોસ્પિટલમાં કામ કરતી એક સફાઈ કર્મચારીએ કબૂલાત કરી કે રામગોપાલ ખંડેલવાલ પોતે જ મહિલાઓના ઓપરેશન કરતો હતો. દરોડા દરમિયાન વ્યારાની 24 વર્ષીય સગર્ભા મહિલા ભાગી છૂટવામાં સફળ રહી હતી, જ્યારે અન્ય બે મહિલાઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.


આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતા મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ મારી દીધી છે. વરાછા પોલીસે રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. સાથે જ આ સમગ્ર રેકેટમાં અન્ય ડોક્ટરો અથવા મેડિકલ ક્ષેત્રના સફેદપોશ લોકોની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.

Advertisement