સુરતમાં ખાડીપૂર... પાણીમાં માત્ર શહેર નથી ડૂબતું, તંત્રના દાવાઓ પણ ડૂબી જાય છે!

સુરતમાં ખાડીપૂર... પાણીમાં માત્ર શહેર નથી ડૂબતું, તંત્રના દાવાઓ પણ ડૂબી જાય છે!

સુરતમાં ખાડીપૂર... પાણીમાં માત્ર શહેર નથી ડૂબતું, તંત્રના દાવાઓ પણ ડૂબી જાય છે!


ચોમાસું આવે એટલે સુરતના ખાડીકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની ચિંતા ફરી એકવાર સતાવવા લાગે છે. ઘરોમાં ગંદું પાણી ઘૂસે, લોકો સ્થળાંતર કરે અને લાખો પરિવારો મુશ્કેલીમાં મુકાય—આ દૃશ્ય સુરત માટે જાણે દર વર્ષની કહાની બની ગયું છે.


પૂર આવે ત્યારે તંત્ર દોડતું થાય છે...

બેઠકો મળે છે, સર્વે થાય છે, માસ્ટર પ્લાનની વાતો થાય છે અને મોટા-મોટા દાવા કરવામાં આવે છે.

પરંતુ પાણી ઓસરે એટલે શું?

બેઠકો પૂરી... દાવા પૂરા... અને ફાઈલો કબાટમાં!


સુરતને ખાડીપૂરથી કાયમી રાહત મળે તે માટે સરકારના મોનિટરિંગ હેઠળ અમદાવાદની HCP એજન્સીને માસ્ટર પ્લાન તૈયાર કરવાની જવાબદારી સોંપાઈ હતી. શરૂઆતમાં માત્ર 15 દિવસમાં પ્રાથમિક સર્વે રિપોર્ટ આપવાની વાત હતી.


પરંતુ બે મહિનાથી વધુ સમય વીતી ગયો... છતાં પ્રાથમિક તારણો ક્યાં છે, તેનો જવાબ નથી.


ઉચ્ચસ્તરીય બેઠકમાં પણ જમીન પર થયેલા નક્કર કામ કરતાં ડ્રોન સર્વે અને મોડલ રનની તસવીરો વધુ જોવા મળી.


આ સ્થિતિમાં શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી એમ. થેન્નારાશને એજન્સીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું—હવે કાગળ પરના મોડલ નહીં, જમીન પર અમલમાં મૂકી શકાય તેવા ઉકેલો જોઈએ.


અને અહીંથી સૌથી મોટો સવાલ ઊભો થાય છે...


જે એજન્સી બે મહિનામાં પ્રાથમિક રિપોર્ટ ન આપી શકી, તેને હવે એક સપ્તાહમાં શું નક્કર ઉકેલ મળશે?


ત્રણ મહિનામાં માસ્ટર પ્લાન તૈયાર કરવાનો લક્ષ્યાંક હતો. બે મહિના વીતી ગયા અને હવે એજન્સીને વધુ એક સપ્તાહની આખરી મહોલત આપવામાં આવી છે.


બીજી તરફ સુરતીઓનો સવાલ સીધો છે—

ખાડી ઊંડી ક્યારે થશે? સફાઈ ક્યારે થશે? અવરોધો ક્યારે દૂર થશે? અને ખાડીપૂરથી કાયમી રાહત ક્યારે મળશે?


કારણ કે સુરતને હવે ડ્રોનની તસવીરો નહીં, વરસાદના પાણીથી બચાવતો જમીની ઉકેલ જોઈએ છે.


દર વર્ષે પૂર આવે, કરોડોનું નુકસાન થાય અને પછી બેઠકો યોજાય—

જો આ જ વ્યવસ્થા છે, તો ખાડીપૂર કુદરતી આફત છે કે તંત્રની નિષ્ફળતાનું વાર્ષિક રિપોર્ટ કાર્ડ?