સુરત: સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના યુવા પદાધિકારી જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. સત્તાધારી પક્ષના જ એક સક્રિય યુવા નેતાની આ રીતે ધોળા દિવસે જાહેરમાં હત્યા થઈ જતાં સુરત ભાજપ સહિત રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ લોહિયાળ ઘટનાને પગલે સામાન્ય જનતામાં પણ ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારાઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતક જય દલાલ સુરતના લિંબાયત વિસ્તારના ધારા સભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા અને ભાજપના મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલનો 21 વર્ષનો એકનો એક પુત્ર હતો. તે પોતે પણ ભાજપ સંગઠન સાથે સક્રિયપણે જોડાયેલો હતો અને ડિંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપ પ્રમુખ તરીકે પક્ષની જવાબદારી સંભાળતો હતો. આ દિલધડક હત્યાની ઘટના બાદથી પરિવારમાં આક્રંદની સ્થિતિ જોવા મળી રહી છે. ભયભીત અને શોકમગ્ન માતા જયશ્રીબેને ન્યાયની વહારે આવીને પ્રશાસન પાસે હત્યારાઓને ફાંસીની સજા આપવાની માગ કરી છે, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ માતાનો દીકરો આ રીતે ન છીનવાય.
હત્યાની વિગતો આપતા મૃતકની માતાએ રડતા અવાજે જણાવ્યું કે, તેમનો પુત્ર જય કોઈ મિત્રનો ફોન આવતા રાત્રે સાડા આઠ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મધ્યરાત્રિએ તેમને ફોન આવ્યો કે, જય પર હુમલો થયો છે અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે. જો કે, પરિવાર હોસ્પિટલ પહોંચે તે પહેલા જ આશાસ્પદ યુવાન દમ તોડી ચૂક્યો હતો. માતાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, તાજેતરમાં જ પાસા (PASA) માંથી બહાર આવેલા કુખ્યાત ગુનેગાર મિલિન ચકલી અને પંકજ પાટીલ સહિતના ત્રણ આરોપીઓએ અદાવત રાખીને આ ક્રૂર હત્યાને અંજામ આપ્યો છે. આરોપીઓને આશંકા હતી કે જયના કારણે જ તેઓ જેલમાં ગયા હતા, જેની ભીતરી અદાવતમાં જયને મોતના ઘાટ ઉતારી દેવાયો હોવાનો દાવો કરાયો છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.