સુરતમાં હાર્ટ એટેકથી યુવાઓના સતત મોત: ચિંતાજનક

સુરતમાં હાર્ટ એટેકથી યુવાઓના સતત મોત: ચિંતાજનક


સુરત શહેરમાં લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો વધી રહ્યા છે. આ દરમિયાન અબ્રામા ખાતે ક્રિકેટ મેચમાં અમ્પાયરની ભૂમિકા ભજવતા જહાંગીરપુરાના 25 વર્ષીય પીટી શિક્ષકનું છાતીમાં બોલ વાગ્યા બાદ બેભાન થતાં મોત થયું હતું. જ્યારે લિંબાયતના માજી કોર્પોરેટર અક્રમ અન્સારીના 28 વર્ષીય પુત્ર અને પાંડેસરામાં મેટ્રોની કામગીરી કરતાં 27 વર્ષીય શ્રમજીવી યુવકનું બેભાન થયા બાદ મૃત્યુ નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, જહાંગીરપુરામાં રાજગીરી એપાર્ટમેન્ટમાં રહેતા 25 વર્ષીય પાર્થ સુરતી ખાનગી શાળામાં પીટી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. રવિવારની રજા હોવાથી સવારે પાર્થ સાથી મિત્રો સાથે આઉટર રિંગરોડ ખાતે આવેલા વી. બી. દેસાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેચ રમવા માટે ગયા હતા. અમ્પાયરની ભૂમિકા વખતે તેમને છાતીમાં બોલ વાગ્યો હતો, જેના કારણે તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પાર્થનું હાર્ટએટેકથી મોત થયું હોવાની શક્યતા છે.