Advertisement

સુરતમાં AAP મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ, ફોર્મ ન ભરાઈ શકતા કલેક્ટર કચેરીએ ફિનાઈલ પીધી

સુરતમાં AAP મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ, ફોર્મ ન ભરાઈ શકતા કલેક્ટર કચેરીએ ફિનાઈલ પીધી

સુરત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં સુરતમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સુરતના વોર્ડ નંબર 14માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌશાલી ચાચર દ્વારા કલેક્ટર કચેરી ખાતે ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી.


મળતી માહિતી અનુસાર, ટેકનિકલ કારણોસર તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ સમયસર ભરી શક્યા નહોતા. ફોર્મ રિજેક્ટ થવાની કે ફોર્મ ન ભરાઈ શકવાની ભીતિથી આવેશમાં આવી તેમણે આ પગલું ભર્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.


આપ કાર્યકરોનો હોબાળો


આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે હોબાળો મચાવતા પરિસ્થિતિ તંગ બની હતી. સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસને દખલ આપવી પડી હતી અને બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.


હાલ સુધી અધિકારીઓ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ઉમેદવારી ફોર્મ ન ભરાઈ શકવાના ચોક્કસ ટેકનિકલ કારણો અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Advertisement