સુરેન્દ્રનગર:ગુજરાતના હાઈવે પર અકસ્માતોની ઘટના સતત વધી રહી છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેફામ ગતિએ આવતા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા 7 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે.
મળતી માહિતી મુજબ, અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામ લોકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે. તેઓ રાજકોટ જિલ્લાના ગઢકા ગામે આવેલા મંદિરે પદયાત્રા કરીને જઈ રહ્યા હતા. ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર એક બેફામ ટ્રકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. મૃતકોમાં 5 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે, જેના કારણે એક જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટ્રક ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રકે અંદાજે 10 જેટલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓના દેહ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ દુર્ઘટનાએ સમગ્ર પંથક અને ભરવાડ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પદયાત્રામાં નીકળેલા શ્રદ્ધાળુઓ સાથે થયેલી આ ઘટના બાદ હાઈવે પર સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.