સુરેન્દ્રનગરમાં કેમિકલ ચોરીનું મોટું રેકેટ ઝડપાયું!
સુરેન્દ્રનગરથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર કટારીયા ગામની સીમમાં ગેરકાયદેસર કેમિકલ ચોરીનું રેકેટ ઝડપાયું છે.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલી UP-બિહાર હોટલના પાર્કિંગમાં જ કેમિકલ ચોરીનું સમગ્ર નેટવર્ક ચાલતું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, ટેન્કર માલિકની જાણ બહાર ટેન્કરમાંથી કિંમતી કેમિકલની ચોરી કરવામાં આવતી હતી. આ મામલે રેન્જ IGની ટીમે દરોડો પાડીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે.
દરોડા દરમિયાન પોલીસે 5 ઈસમો સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં માજીદ અલી, સાહિલ મુલતાની, ઈકબાલ ખાન, જયરાજસિંહ રાઠોડ અને જયવીર કાઠીનો સમાવેશ થાય છે.
પોલીસે સમગ્ર કાર્યવાહી દરમિયાન 45.29 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે બે ઈસમોની અટકાયત કરવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે સ્થાનિક પોલીસ અને LCBની કામગીરી પણ હવે શંકાના દાયરામાં આવી છે. રેન્જ IGની ટીમે કાર્યવાહી કરી સમગ્ર રેકેટ ઝડપી પાડ્યું છે.
હાલ સમગ્ર મામલાની આગળની તપાસ સ્થાનિક પોલીસને સોંપવામાં આવી છે.
હાઈવે પર પાર્કિંગમાં ચાલતા આ કેમિકલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ થતાં પોલીસ તંત્રમાં પણ ખળભળાટ મચ્યો છે.