Advertisement

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: પહેલીવાર ‘ઈચ્છામૃત્યુ’ને મંજૂરી, જસ્ટિસ ભાવુક

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: પહેલીવાર ‘ઈચ્છામૃત્યુ’ને મંજૂરી, જસ્ટિસ ભાવુક

સુપ્રીમ કોર્ટે એક અત્યંત સંવેદનશીલ અને પીડાદાયક મામલામાં મહત્વનો નિર્ણય આપ્યો છે. 13 વર્ષથી અચેત અવસ્થામાં પથારીવશ રહેલા ગાઝિયાબાદના યુવક હરીશ રાણાને ‘પેસિવ યુથેનેશિયા’ (ઈચ્છામૃત્યુ)ની મંજૂરી આપવામાં આવી છે. પોતાના 100 ટકા દિવ્યાંગ પુત્રની હાલત જોઈ ન શકતા માતા-પિતાએ કોર્ટ સમક્ષ આ માગણી કરી હતી.


આ મામલે જસ્ટિસ જે.બી. પારદીવાલાની ખંડપીઠે દિલ્હીની AIIMS હોસ્પિટલ પાસે મેડિકલ રિપોર્ટ મંગાવ્યો હતો. નિષ્ણાત તબીબોની ટીમે રિપોર્ટમાં જણાવ્યું હતું કે હરીશના સ્વાસ્થ્યમાં હવે કોઈ સુધારો થવાની શક્યતા નથી. આ રિપોર્ટના આધારે કોર્ટે જણાવ્યું કે કોઈ વ્યક્તિને અસહ્ય પીડામાં અનિશ્ચિત સમય સુધી જીવંત રાખવું યોગ્ય નથી.


આ દુખદ ઘટના વર્ષ 2013માં બની હતી. તે સમયે હરીશ રાણા ચંદીગઢમાં અભ્યાસ કરતો હતો. હોસ્ટેલના ચોથા માળેથી પડી જતાં તેના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારથી છેલ્લા 13 વર્ષથી તે પથારીવશ અને અચેત અવસ્થામાં હતો. લાંબા સમય સુધી પથારીવશ રહેવાને કારણે તેના શરીરમાં ગંભીર ઘા પણ પડી ગયા હતા.


દીકરાની આ સ્થિતિથી વ્યથિત બનેલા માતા-પિતાએ અંતે સુપ્રીમ કોર્ટમાં ઈચ્છામૃત્યુની મંજૂરી માટે અરજી કરી હતી. કોર્ટે ‘પેસિવ યુથેનેશિયા’ની મંજૂરી આપી છે, જેમાં દર્દીને જીવંત રાખવા માટે આપવામાં આવતા કૃત્રિમ લાઈફ સપોર્ટ, જેમ કે વેન્ટિલેટર અથવા ફીડિંગ ટ્યુબ, ધીમે ધીમે હટાવી લેવામાં આવે છે જેથી કુદરતી રીતે મૃત્યુ થઈ શકે.


ચુકાદો આપતી વખતે જસ્ટિસ પારદીવાલાએ કહ્યું કે આ નિર્ણય લેવો ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ દર્દીની સ્થિતિ અત્યંત દુખદ છે અને માનવીય દૃષ્ટિકોણથી નિર્ણય લેવાયો છે.

Advertisement