નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે સોશિયલ મીડિયા જાયન્ટ વોટ્સએપ અને તેની પેરેન્ટ કંપની મેટાની કડક ઝાટકણી કાઢી છે. ૨૦૨૧ની વિવાદાસ્પદ પ્રાઈવસી પોલિસી મામલે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું હતું કે ભારતના નાગરિકોની પ્રાઈવસી સાથે કોઈપણ પ્રકારની છેડછાડ ચલાવી લેવામાં આવશે નહીં.
સમાચારના મુખ્ય મુદ્દાઓ:
‘ભારત છોડી દો’: CJI એ કડક શબ્દોમાં કહ્યું કે, જો કંપની ભારતીય બંધારણના નિયમોનું પાલન ન કરી શકતી હોય તો તે ભારત છોડીને જઈ શકે છે.
ડેટા એક્સપ્લોઈટેશન: કોર્ટે નોંધ્યું કે વોટ્સએપ યુઝર્સના ડેટાનો ઉપયોગ કરીને કમાણી કરી રહ્યું છે. ઉદાહરણ આપતા કહ્યું કે, જો કોઈ ડૉક્ટર દવા લખે તો ગણતરીની મિનિટોમાં જ યુઝરને તેની જાહેરાતો દેખાવા લાગે છે, જે ગંભીર બાબત છે.
સામાન્ય માણસની મજબૂરી: કોર્ટે સવાલ કર્યો કે બિહારના ગામડામાં રહેતા લોકો કે ઓછું ભણેલી વ્યક્તિ તમારી જટિલ પોલિસી કેવી રીતે સમજી શકે? લોકોની ‘લત’ અને ‘મજબૂરી’નો ફાયદો ઉઠાવવાનું બંધ કરો.
૯ ફેબ્રુઆરીએ વધુ સુનાવણી: સુપ્રીમ કોર્ટે હવે આ કેસ માટે ત્રણ જજોની બેન્ચની રચના કરી છે અને આગામી સુનાવણી ૯ ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.
કેમ શરૂ થયો વિવાદ?
નવેમ્બર ૨૦૨૪માં CCI (કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા) એ વોટ્સએપ પર યુઝર્સને નવી પોલિસી સ્વીકારવા મજબૂર કરવા બદલ ૨૧૩ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જેની સામે મેટા કંપનીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.