સુરત-તાપીના 2.50 લાખ પશુપાલકોને મળશે સીધો લાભ, માર્ચ 2027 સુધીમાં ₹70 કરોડથી વધુની વધારાની આવક થવાનો અંદાજ
સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે દેવદિવાળીના તહેવાર નિમિત્તે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુમુલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને આર્થિક રાહત આપવા માટે દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરીની બોર્ડ મિટિંગમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા સર્વસંમતિથી ગાય અને ભેંસ બંનેના દૂધના ભાવમાં પ્રતિ કિલોફેટે ₹50નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
આ નવો ભાવ વધારો તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવશે. આ નિર્ણય બાદ ગાયના દૂધનો ખરીદ ભાવ અગાઉના ₹900થી વધારીને ₹950 કરવામાં આવ્યો છે. જ્યારે ભેંસના દૂધનો ભાવ ₹930થી વધારીને ₹980 પ્રતિ કિલોફેટ કરવામાં આવ્યો છે. થોડા દિવસો અગાઉ જ સુમુલ ડેરી દ્વારા દૂધના વેચાણ ભાવમાં પણ પ્રતિ લીટર ₹1થી ₹6 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.
2.50 લાખ પશુપાલકોને મળશે આર્થિક લાભ
સુમુલ ડેરીના આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકોને સીધો લાભ મળશે. ડેરીના અંદાજ પ્રમાણે માર્ચ 2027 સુધીમાં પશુપાલકોને ₹70 કરોડથી વધુની વધારાની આવક પ્રાપ્ત થઈ શકે છે. દૂધના ખરીદ ભાવમાં થયેલો આ વધારો પશુપાલકો માટે આર્થિક રીતે મોટી રાહત સાબિત થઈ શકે છે.
પશુપાલન ખર્ચમાં વધારાને ધ્યાનમાં રાખીને નિર્ણય
છેલ્લા કેટલાક સમયથી પશુપાલન વ્યવસાયમાં ખર્ચ સતત વધી રહ્યો છે. પશુઓ માટેના ઘાસચારા અને પશુઆહારના ભાવમાં વધારો, અલ નીનોની અસર તેમજ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે પશુપાલકો પર આર્થિક બોજ વધ્યો છે. આવી પરિસ્થિતિમાં પશુપાલકોને તેમના દૂધનું યોગ્ય વળતર મળી રહે અને તેમની આવકમાં વધારો થાય તે હેતુથી સુમુલ ડેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં સૌથી ઊંચો દૂધ ખરીદ ભાવ ચૂકવવાનો દાવો
સુમુલ ડેરીના પ્રમુખ કાંતિ ગામીતે જણાવ્યું હતું કે ગુજરાતમાં પશુપાલકોને પ્રતિ કિલોફેટે સૌથી ઊંચો દૂધ ખરીદ ભાવ ચૂકવવામાં સુમુલ ડેરી અગ્રેસર છે. પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ અને તેમના પરિશ્રમનું યોગ્ય વળતર મળે તે માટે ડેરી સતત પ્રયત્નશીલ છે.
ભાવ વધારાની જાહેરાત બાદ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. પશુપાલકોએ ડેરીના આ નિર્ણયને દેવદિવાળીની ભેટ સમાન ગણાવ્યો છે. હવે આ ભાવ વધારાથી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા હજારો પરિવારોને કેટલી આર્થિક રાહત મળે છે તે જોવું રહ્યું.