ગુજરાતમાં વહીવટી તંત્ર હાલમાં ચૂંટણીના મોડમાં આવી ગયું છે. રાજ્યમાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હાલ પૂરતી વસ્તી ગણતરીની કામગીરી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ વ્યસ્ત હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત, દીવ-દમણ અને દાદરા નગર હવેલીના ડાયરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને 5મી તારીખથી શરૂ થનારી વસ્તી ગણતરી (સેન્સસ)ની પ્રક્રિયા હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવશે. હાલમાં શિક્ષકો તેમજ અન્ય વહીવટી સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હોવાથી આ પ્રક્રિયા તાત્કાલિક અસરથી પોસ્ટપોન (મોકૂફ) રાખવામાં આવી છે. ચૂંટણી કાર્ય પૂર્ણ થયા બાદ વસ્તી ગણતરીની કામગીરી ફરી શરૂ કરવામાં આવશે. વિભાગની રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ અંગે સત્તાવાર ગેઝેટ બહાર પાડી જાહેરાત કરી છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે મહત્વનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે 2 ફેબ્રુઆરી, 2026ના રોજ બહાર પાડવામાં આવેલ જાહેરનામું (નંબર: GS/2026/02/GAD/VST/e-file/1/2026/0258/S)ને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે. આ નિર્ણય ‘ગુજરાત જનરલ ક્લોઝિસ એક્ટ, 1904’ની કલમ 21 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને લેવામાં આવ્યો છે. આ આદેશ ગુજરાતના રાજ્યપાલના નામે ડેપ્યુટી સેક્રેટરી માયા એમ. ડાભી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
વસ્તી ગણતરી અને ચૂંટણી બંને પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં શિક્ષકો અને મહેસૂલી કર્મચારીઓની જરૂર પડતી હોય છે. એક સાથે બે મોટી જવાબદારીઓ સંભાળવી કર્મચારીઓ માટે મુશ્કેલ બનતી હોવાથી તેમજ ચૂંટણીની કામગીરી અત્યંત મહત્વપૂર્ણ હોવાથી સરકારે વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાને હાલ પૂરતો અટકાવવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી ડ્યુટીમાં રાજ્યભરમાં લાખો કર્મચારીઓ રોકાયેલા હોવાથી વસ્તી ગણતરી માટે સ્ટાફ ફાળવવો મુશ્કેલ બન્યો છે. ઉપરાંત રાજ્યમાં આચારસંહિતા અમલમાં હોવાથી સરકારી તંત્રનું ધ્યાન હાલ કાયદો અને વ્યવસ્થા તથા મતદાન પ્રક્રિયા પર કેન્દ્રિત છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો મે મહિનામાં જાહેર થયા બાદ વસ્તી ગણતરીની કામગીરી ફરીથી નવા ટાઈમટેબલ સાથે શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં Census 2026-27ના પ્રથમ તબક્કાની કામગીરી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એકસાથે આવતા વહીવટી પ્રક્રિયામાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 15 મહાનગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી વચ્ચે વસ્તી ગણતરી પાછળ ઠેલાતા હવે આ કામગીરી ઉનાળાની રજાઓ દરમિયાન અથવા ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.