Advertisement

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપમાં અસંતોષની જ્વાળા, ટિકિટથી વંચિત દાવેદારો નારાજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપમાં અસંતોષની જ્વાળા, ટિકિટથી વંચિત દાવેદારો નારાજ


ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવવા લાગ્યો છે. પાર્ટીએ વિવિધ નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે ઉમેદવારો જાહેર કર્યા બાદ ટિકિટથી વંચિત રહેલા દાવેદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનેક જગ્યાએ કાર્યકરો અને નેતાઓએ પ્રદેશ નેતૃત્વ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે, જેના કારણે પાર્ટી માટે ડેમેજ કંટ્રોલ કરવો પડ્યો છે.


ટિકિટની વહેંચણી બાદ અમદાવાદ, રાજકોટ અને સુરત સહિત અનેક શહેરો તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાએ ભાજપમાં કકળાટ યથાવત્ જોવા મળી રહ્યો છે. નારાજ દાવેદારો અને તેમના સમર્થકોનો આક્ષેપ છે કે ઉમેદવાર પસંદગીમાં કાર્યકરોની મહેનત અને વફાદારીને અવગણવામાં આવી છે. ઘણા કાર્યકરોનું કહેવું છે કે “સારો નહીં પરંતુ મારો” જેવી નીતિથી ટિકિટ ફાળવવામાં આવી છે, જેના કારણે વર્ષોથી પાર્ટી માટે કામ કરનારાઓને ન્યાય મળ્યો નથી.


કેટલાક વિસ્તારોમાં સમાજને પૂરતું પ્રતિનિધિત્વ ન મળ્યાની ફરિયાદ પણ ઉઠી છે. જેના પરિણામે અનેક જગ્યાએ સામૂહિક રાજીનામા પડ્યા છે અને કેટલાક નારાજ કાર્યકરો અપક્ષ તરીકે ચૂંટણી મેદાને ઉતરવાની તૈયારીમાં છે. બીજી તરફ ઉમેદવાર પસંદગીમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જ્યારે ઘણા સિનિયર નેતાઓ તેમજ એકથી વધુ વખત ચૂંટણી જીતેલા નેતાઓને સાઈડલાઈન કરવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ડેમેજ કંટ્રોલ માટે મેદાને ઉતર્યા છે. તેઓ રાજકોટ પહોંચ્યા હતા જ્યાં સંગઠનના હોદ્દેદારો સાથે બંધબારણે બેઠક યોજીને નારાજ દાવેદારો અને કાર્યકરોને મનાવવાના પ્રયાસો કર્યા હતા. હવે આ મનામણાના પ્રયાસો કેટલા સફળ થાય છે તે જોવું રહ્યું.


બીજી તરફ કોંગ્રેસમાં પણ ટિકિટ વહેંચણીને લઈને અસંતોષ જોવા મળ્યો છે. અનેક દાવેદારોમાં નારાજગી ઉઠતા તોડફોડની આશંકાને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કચેરીઓ પર બાઉન્સરો ગોઠવવામાં આવ્યા છે. રાજકીય નિરીક્ષકોના મતે કોંગ્રેસના નેતાઓએ આ ચૂંટણીમાં ફરીથી વિપક્ષમાં રહેવાની માનસિકતા બનાવી લીધી હોય તેવું પણ ચિત્ર ઉભું થયું છે.


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં ગુજરાતની રાજકીય ગરમી સતત વધી રહી છે અને ટિકિટ વિતરણને કારણે ઉભા થયેલા અસંતોષનો અસર ચૂંટણી પરિણામો પર પણ પડી શકે છે.

Advertisement