Advertisement

સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે રસોઈ ગેસમાં આત્મનિર્ભર

સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે રસોઈ ગેસમાં આત્મનિર્ભર

સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસ વસવાટ કરતા આદિવાસી પરિવારોને આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ બાયોગેસ પ્લાન્ટ યોજના હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન જાહેર કરેલી આ યોજના હેઠળ 1000 આદિવાસી પરિવારોના ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 665થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થઈ ચૂક્યા છે જ્યારે બાકીના પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પ્રગતિમાં છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ ઝડપી પગલાં ભરી રહી છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં આ યોજના અમલમાં મુકાઈ રહી છે. તાલુકા પંચાયત દ્વારા યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.


આ યોજના વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનથી પ્રેરિત છે, જેના માધ્યમથી એલપીજી (LPG) સિલિન્ડર અને પરંપરાગત લાકડાના ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાનો હેતુ રાખવામાં આવ્યો છે. બાયોગેસ પ્લાન્ટ થકી પરિવારોને દરરોજ સ્વચ્છ અને સસ્તું ઇંધણ મળી રહ્યું છે, જેના કારણે ગ્રામ્ય જીવનમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે.


સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી નજીક આવેલા વાઘપુરા ગામની રહેવાસી રવિના તડવીએ જણાવ્યું કે બાયોગેસ પ્લાન્ટથી હવે એલપીજી સિલિન્ડરની ચિંતા રહી નથી. સાથે જ પ્લાન્ટમાંથી મળતી સ્લરી ખેતી માટે જૈવિક ખાતર તરીકે ઉપયોગી સાબિત થઈ રહી છે, જેના કારણે પાક ઉત્પાદન પણ વધ્યું છે.


સ્થાનિક રહેવાસી ચંદુ તડવીએ જણાવ્યું કે આ યોજનાથી મહિલાઓને સૌથી વધુ ફાયદો થયો છે. અગાઉ મહિલાઓને લાકડાં ભેગાં કરવા લાંબા અંતર સુધી જવું પડતું હતું અને ચૂલામાંથી નીકળતા ધુમાડાને કારણે આરોગ્ય પર ખરાબ અસર પડતી હતી. હવે બાયોગેસના ઉપયોગથી મહિલાઓ ધુમાડાથી મુક્ત બની છે અને રસોઈ ગેસમાં આત્મનિર્ભરતા મેળવી રહી છે.


રાજ્ય સરકાર દ્વારા આ બાયોગેસ પ્લાન્ટ માટેનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવે છે, જ્યારે લાભાર્થીઓએ માત્ર પ્લાન્ટ માટે જરૂરી ખાડો ખોદવા શ્રમદાન આપવાનું રહે છે. બાયોગેસ પ્લાન્ટથી મળતી સ્લરીનો ખાતર તરીકે ઉપયોગ થવાથી રાસાયણિક ખાતર પરની નિર્ભરતા પણ ઘટી રહી છે, જેના કારણે પર્યાવરણ સુરક્ષા અને જૈવિક ખેતીને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.

Advertisement