મહર્ષિ વેદવ્યાસ ભારતીય જ્ઞાન પ્રણાલી કેન્દ્ર, સરદાર પટેલ વિશ્વવિદ્યાલય, વલ્લભ વિદ્યાનગર દ્વારા ભારતીય જ્ઞાન પ્રણાલીની પુનઃપ્રતિષ્ઠા માટે એક વ્યાખ્યાન શ્રેણીનો આરંભ તા. ૦૬/૦૨/૨૦૨૬ના રોજ કરવામાં આવ્યો. જેના ઉદ્ઘાટન પ્રસંગે પ્રથમ પુષ્પમાં સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના માનનીય કુલપતિશ્રી પ્રો.(ડૉ.) નિરંજનભાઈ પટેલ, મુખ્ય વકતાશ્રી ડૉ. મહેશ ચંપકલાલ, વિવિધ વિભાગોના અધ્યક્ષશ્રીઓ, અધ્યાપકો, ફાઇન આર્ટસ કોલેજના અધ્યાપકો, ગુજરાત સાહિત્ય અકાદમી સાથે જોડાયેલા પ્રબુદ્ધજનો તથા અનુસ્નાતક શિક્ષણશાસ્ત્ર, ગુજરાતી વિભાગ તથા એમ. બી. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અને ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓ મળીને ૧૨૦ જેટલા લોકો સમ્મિલિત થયા હતા. વ્યાખ્યાનમાળાની શરૂઆત યુનિવર્સિટી ગીત, દીપ પ્રાગટ્ય તથા વેદમંત્રોના ગાનથી કરવામાં આવી હતી.
મહાનુભાવોનો યથોચિત પરિચય મહર્ષિ વેદવ્યાસ ભારતીય જ્ઞાન પ્રણાલી કેન્દ્રના કોઓર્ડીનેટર ડૉ. ઋતાબેન પરમારે આપ્યો હતો. આ વ્યાખ્યાન માળામાં મુખ્ય વક્તા તરીકે ભારતીય નાટ્યકાર, રંગમંચ અભિનેતા અને દિગ્દર્શક એવા ડૉ. મહેશ ચંપકલાલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ભારતીય કલા સિદ્ધાંત વિષય ઉપર અત્યંત રસાળ શૈલીમાં શ્રોતાઓને તરબોળ કરી દીધા હતા. તેમણે પોતાના વિષયમાં આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે થઈ ગયેલ ભરતમુનિના નાટ્યશાસ્ત્ર ગ્રંથ ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક કલાના સિદ્ધાંતો સમજાવ્યા હતા અને આ સાથે જ તેના પર લખેલ આલોચકોની મીમાંસાને પણ રજૂ કરી હતી.
ભરતમુનિનો રસ સિદ્ધાંત નિર્માણ, કલાકૃતિ અને આસ્વાદ ત્રણેયને આવરી લે છે. આ સિદ્ધાંતને યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ છે. તેમણે કલાના વિવિધ તત્ત્વો, વિવિધ રસો અને વિવિધ ભાવોની વાત ઉદાહરણ સાથે સમજાવી હતી. જગતમાં જે બને છે તે લૌકિક અને કલામાં જે બને છે તે અલૌકિક છે તેમ સમજ આપી હતી. રસ એટલે ચિત્તની આનંદમય વૃત્તિ. અને અંતમાં તેમણે કવિ કાલિદાસની જગવિખ્યાત કૃતિ અભિજ્ઞાન શાકુન્તલના ઉદાહરણ દ્વારા શબ્દચિત્ર ખડું કરીને વિવિધ રસ અને ભાવોને સમજવ્યા હતા. તેમાં પણ કલાકાર અને શ્રોતા બંને પક્ષે કેટલું તાદાત્મ્ય હોવું જોઈએ તેની ખૂબ સુંદર રજૂઆત કરી હતી.
ત્યારબાદ વ્યાખ્યાન શ્રેણીના અધ્યક્ષ અને સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના માનનીય કુલપતિશ્રી પ્રો.(ડૉ.) નિરંજનભાઈ પટેલ સાહેબે પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં જણાવ્યું કે આજના વ્યાખ્યાનમાં કલાના સિદ્ધાંતરૂપી રસમાં આપણે સહુ તરબોળ થયા. સમગ્ર સિદ્ધાંતમાં મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા સમાયેલી છે. તેમણે જણાવ્યું કે સ્વભાવોક્તિમાં રસ લાવે તે જ મોટો કવિ. તેમણે એક ખૂબ જ મહત્ત્વની વાત તરફ ધ્યાન દોર્યું કે વક્તાના કથન અનુસાર ભરતને ભરતની દૃષ્ટિએ જોવા જોઈએ. ભારતીય જ્ઞાન પરંપરાને યુવાપેઢી સુધી પહોંચાડવાના હેતુથી આ વ્યાખ્યાનશ્રેણીનો આરંભ કરવામાં આવ્યો છે તે આજના વ્યાખ્યાનના પ્રથમ પુષ્પમાં સાકર થતો અનુભવી રહ્યા છીએ. આ સાથે જ સમગ્ર વ્યાખ્યાનશ્રેણી માટે શુભેચ્છા પાઠવી. આ વ્યાખ્યાનમાળામાં કાર્યક્રમનું સુંદર સંચાલન શિક્ષણશાસ્ત્ર વિભાગની પ્રશિક્ષણાર્થી બહેનશ્રી નમ્રતાએ કરેલું હતું અને વેદમંત્રનું ગાન રેણુકા અને રહેલતાએ કર્યું હતું.