Advertisement

સરદાર પટેલ યુનિવર્સિટીમાં “યુનિયન બજેટ ૨૦૨૬-૨૭” પર “બજેટ ટોક @ કેમ્પસ” યોજાયો

સરદાર પટેલ યુનિવર્સિટીમાં “યુનિયન બજેટ ૨૦૨૬-૨૭” પર “બજેટ ટોક @ કેમ્પસ” યોજાયો

૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં પ્રોફ. શિરીષ કુલકર્ણીનું માર્ગદર્શન


સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર દ્વારા તા. ૧૨મી ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ એમ.પી. પટેલ ઓડિટોરિયમ ખાતે “યુનિયન બજેટ ૨૦૨૬” વિષય પર “બજેટ ટોક @ કેમ્પસ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી ગીત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ મહાનુભાવોના સ્વાગત અને સન્માન વિધિ યોજાઈ હતી. મુખ્ય વક્તા પ્રોફ. શિરીષ કુલકર્ણી, સરકારના પ્રતિનિધિ જગતભાઈ પટેલ, માનનીય કુલપતિ પ્રોફ. નિરંજન પટેલ, રજિસ્ટ્રાર ડૉ. ભાઈલાલભાઈ પટેલ તથા યુનિવર્સિટીના નોડલ ઓફિસર પ્રોફ. કિન્જલ અહીરનું સ્મૃતિચિહ્ન તથા સરદાર પટેલના ફોટોગ્રાફ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રોફ. શિરીષ કુલકર્ણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રવચનમાં યુનિયન બજેટ ૨૦૨૬-૨૭ મુખ્ય મુદ્દાઓ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. તેમણે “વિક્સિત ભારત ૨૦૪૭” ના વિઝનને ધ્યાનમાં રાખીને બજેટની દિશા અને દેશની આર્થિક સ્થિતિ અંગે વિગતવાર સમજ આપી હતી. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, રોકાણની પરિસ્થિતિ, ઉત્પાદન ક્ષેત્રના પડકારો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં વધારેલ ફાળવણી તેમજ નાણાકીય શિસ્ત જેવા મુદ્દાઓ પર તેમણે વિશ્લેષણાત્મક રજૂઆત કરી હતી.


તેમણે જણાવ્યું હતું કે બજેટનો હેતુ વિકાસને ગતિ આપવાનો, રોજગાર વધારવાનો અને ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહિત કરવાનો છે. વિદ્યાર્થીઓને આર્થિક જાગૃતિ અને નાણાકીય આયોજન વિશે સચેત રહેવા તેમણે અનુરોધ કર્યો હતો.


કાર્યક્રમમાં નોડલ ઓફિસર તરીકે ડૉ. કિન્જલ અહીર હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગો અને ફેકલ્ટીમાંથી ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તથા સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ બજેટ સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા અને મુખ્ય વક્તા પ્રોફ. શિરીષ કુલકર્ણી એ તેમના સંતોષકારક જવાબો આપ્યા હતા, જેના કારણે કાર્યક્રમ વધુ સંવાદાત્મક બન્યો હતો.


કાર્યક્રમના અંતે ડૉ. કિન્જલ અહીર દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે તમામ મહાનુભાવો, આયોજકો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનો સમાપન રાષ્ટ્રગીત “વંદે માતરમ” સાથે કરવામાં આવ્યો હતો.


આ સમગ્ર કાર્યક્રમ માહિતીપ્રદ, પ્રેરણાદાયક અને શૈક્ષણિક રીતે અત્યંત સફળ રહ્યો હતો.

Advertisement