સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા 23 ફેબ્રુઆરીથી ત્રણ દિવસીય ‘વિજ્ઞાનોત્સવ-2026’ (SCIFEST) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ ના વિઝનને સાકાર કરવાના હેતુથી આયોજિત આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પુસ્તકીય જ્ઞાનની સાથે પ્રાયોગિક વિજ્ઞાન અને સંશોધન પ્રત્યે રુચિ વધારવાનો છે. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ આ પ્લેટફોર્મ યુવા પ્રતિભાઓને તેમના નવીન વિચારો સાકાર કરવાની તક પૂરી પાડશે.
આજે સવારે 11 વાગ્યે એમ. પી. પટેલ ઓડિટોરિયમ ખાતે ઉદ્ઘાટન સમારોહ યોજાશે. જેમાં કુલપતિ પ્રો. નિરંજન પટેલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે. મુખ્ય અતિથિ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ઉત્પલ જોશી અને અમદાવાદ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્પેસ એન્ડ કોસ્મોલોજીના ડાયરેક્ટર પ્રો. પંકજ જોશી હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. આ મહોત્સવ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાનોને વૈજ્ઞાનિક સંશોધન દ્વારા વેગ આપશે.
આ ત્રિ-દિવસીય વિજ્ઞાનોત્સવમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ, સેમિકન્ડક્ટર, સ્માર્ટ મટીરીયલ્સ અને ગ્રીન એન્વાયર્નમેન્ટ જેવા અત્યાધુનિક વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મહોત્સવના મુખ્ય આકર્ષણોમાં સાયન્સ એક્ઝિબિશન, સાયન્સ ક્વિઝ, લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ખ્યાતનામ વૈજ્ઞાનિકોના ટોક સેશનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, એસ્ટ્રોનોમી સેશનમાં સાંજ દરમિયાન વિદ્યાર્થીઓ માટે આકાશ દર્શન (Sky Gazing) અને એસ્ટ્રોફોટોગ્રાફીના વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યા છે.