સરદાર પટેલ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા "સરદાર પટેલની રાષ્ટ્ર નિર્માણ અને શાસનમાં ભૂમિકા" (Sardar Patel's Role in Nation-Building and Governance) વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું ભવ્ય આયોજન સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. નેશનલ હાયર એજ્યુકેશન મિશન – RUSA (ઘટક નં. 11: ફેકલ્ટી ઇમ્પ્રૂવમેન્ટ) ના નેજા હેઠળ આયોજિત આ સેમિનારનો પ્રારંભ આજરોજ યુનિવર્સિટીના એમ. પી. પટેલ ઓડિટોરિયમ ખાતે થયો હતો.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ડૉ. સંજય જોષી (IAS) - (એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ઇન્ડેક્ષ્ટ-સી, ગાંધીનગર અને 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પ્રોજેક્ટના પૂર્વ મુખ્ય વ્યવસ્થાપક) એ સરદાર પટેલના જીવન અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અતુલ્ય યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સરદારના જીવનના વિવિધ તબક્કાઓને તાર્કિક અને ભાવનાત્મક રીતે રજૂ કરી યુવા પેઢીને પ્રેરણા પૂરી પાડી હતી.
સિવિલ સર્વિસીસના જનક તરીકે મૂલવતા તેમણે કહ્યું કે આઝાદી પછી દેશના વહીવટી માળખાને જાળવી રાખવા માટે સરદારે સિવિલ સર્વિસીસ (IAS/IPS) નું જે સમર્થન કર્યું, તેના કારણે જ આજે ભારતનું વહીવટી તંત્ર મજબૂત છે. તેમણે આ અધિકારીઓને દેશભક્તિના રંગે રંગ્યા હતા.
રજવાડાઓનું વિલીનીકરણ અને સોમનાથનો સંકલ્પ વિશે વાત કરતા હૈદરાબાદમાં 'પોલીસ એક્શન', જૂનાગઢનું વિલીનીકરણ અને કાશ્મીર મુદ્દે સરદારની મક્કમતાની વિગતો ડૉ.જોષીએ આપી હતી. ખાસ કરીને સોમનાથ મંદિરના પુનઃનિર્માણના સંકલ્પને તેમણે ભારતીય સાંસ્કૃતિક ચેતનાના પુનરુત્થાનનું પ્રતિક ગણાવ્યું હતું.
સરદારની કઠોરતા પાછળની મૃદુતા વિશે વક્તાએ સરદારની 'આયર્ન મેન' (લોખંડી પુરુષ) ની છબી પાછળ છુપાયેલી તેમની નૈતિકતા અને રાષ્ટ્ર પ્રત્યેની સંવેદનશીલતાના અનેક કિસ્સાઓ વર્ણવ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રો. ડૉ. કિંજલ આહીર (વિભાગાધ્યક્ષ, અર્થશાસ્ત્ર વિભાગ) પ્રો. ડૉ. જે.કે. બારોટ (સેમિનાર કો-ઓર્ડિનેટર) સરદાર પટેલ યુનિવર્સિટી, ઉપરાંત સહ-સંયોજકો પ્રો. (ડૉ.) વસંત પટેલ (ઇતિહાસ વિભાગ), પ્રો. (ડૉ.) રમેશ મકવાણા (સમાજશાસ્ત્ર વિભાગ), ડૉ. અર્પિત પટાડિયા (રાજ્યશાસ્ત્ર વિભાગ) યુનિવર્સિટીના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉદ્ઘાટન સત્રમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગના વડાઓ, અધ્યાપકો, ગુજરાતભરમાંથી આવેલા સંશોધકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બે દિવસીય સેમિનાર દરમિયાન વિવિધ ટેકનિકલ સત્રોમાં ડૉ. સુરેન્દ્ર સોની, ડૉ. ગૌરાંગ રામી, શ્રી જશવંત રાવલ, શ્રી પ્રદ્યુમન ખાચર, ડૉ. અરુણ વાઘેલા, ડૉ. દિલીપ ચૌધરી જેવા તજજ્ઞો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવશે. આ સેમિનારમાં 77 જેટલા સંશોધન પત્રો રજૂ કરવામાં આવશે.