સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના અનુસ્નાતક કાયદા શાસ્ત્ર વિભાગ દ્વારા આદરણીય કુલપતિ શ્રી પ્રોફેસર ડૉ. નિરંજન પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તથા વિભાગના વડા પ્રોફેસર ડૉ. પરેશ આચાર્ય સાહેબના પ્રોત્સાહનથી તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ “Human Rights in a Changing World: Law, Society and Global Governance” વિષય પર એક દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે કુલપતિશ્રીએ પોતાના ઉદ્બોધનમાં માનવ અધિકારોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડીને સરળ રીતે સમજાવ્યા. તેમણે “વસુધૈવ કુટુંબકમ”ના સિદ્ધાંતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે વિકાસ સાથે અસમાનતા ન વધે તે અત્યંત આવશ્યક છે. માનવતા વિના અધિકારોનું અસ્તિત્વ સંભવ નથી, તે બાબત પર તેમણે ભાર મૂક્યો.
આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સના મુખ્ય અતિથિ તરીકે ડૉ. કૌશલ ઠાકર, ચેરપર્સન, ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન, ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રવચનમાં માનવ અધિકારોનો અર્થ, તેનું મહત્વ અને તેની પ્રાપ્તિ વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે જણાવ્યું કે સ્વતંત્ર ભારતમાં નાગરિકોને મળતા અધિકારો જન્મસિદ્ધ છે, પરંતુ તેના સાથે કર્તવ્યોનું પાલન પણ એટલું જ જરૂરી છે. તેમણે ફંડામેન્ટલ ડ્યુટીઝના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે નાગરિકોએ પ્રથમ દેશપ્રતિ પોતાના કર્તવ્યો નિભાવ્યા બાદ અધિકારો અંગે જાગૃતતા દાખવવી જોઈએ.તેમણે સ્વચ્છ પર્યાવરણ, શુદ્ધ પાણી જેવા મૂળભૂત માનવ અધિકારોનો ઉલ્લેખ કર્યો તેમજ જાતિભેદ જેવી સામાજિક સમસ્યાઓ અંગે પણ વિચારવિમર્શ કર્યો.કાર્યક્રમના અંતે વિશેષ અતિથિ તરીકે ધવલ શાહ, મેમ્બર સેક્રેટરી, ગુજરાત સ્ટેટ વુમન કમિશન, ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા.
આ કોન્ફરન્સ દરમિયાન કુલ પાંચ ટેકનિકલ સેશન ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી યોજાયા હતા,જેમાં એક્સપર્ટ તરીકે જર્મનીથી ડૉ. મનીષા બેનિક, ડૉ. નર્ગિઝા રમાઝોનોવા, રાજસ્થાનથી ડૉ. સી. પી. ગુપ્તા તેમજ ગોધરા થી ડૉ. અપુર્વા પાઠક જોડાયા હતા.જેમાં કુલ 40 સંશોધનપત્રો રજૂ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સંશોધકો ભારતના વિવિધ રાજ્યો જેવી કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, કર્ણાટક તથા ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ જેવી કે સરદાર પટેલ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી (વડોદરા), રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, નવરચના યુનિવર્સિટી, કર્ણાવતી યુનિવર્સિટી અને ગુરુગોવિંદ યુનિવર્સિટીમાંથી સંશોધકોએ ભાગ લીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કાયદા શાસ્ત્ર વિભાગની પ્રો. દ્વિતી વ્યાસ અને ડૉ. સ્નેહા મરાઠે દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં આશરે ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઇન ઉપસ્થિત રહ્યા હતા તથા અંદાજે ૪૦ જેટલા સંશોધક અને પેપર પ્રેઝેન્ટર્સ ઓનલાઇન માધ્યમ દ્વારા જોડાયા હતા.કાર્યક્રમ અત્યંત સફળ અને જ્ઞાનવર્ધક રહ્યો હતો.