સરદાર ભુવન ડિમોલિશનમાં મનપાના નિયમોની ખુલ્લેઆમ અવગણના
નડિયાદ: સંતરામ રોડ પર આવેલા સરદાર ભુવનના ડિમોલિશન બાદ છેલ્લા ચાર દિવસથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે, આ કામગીરી દરમિયાન ધૂળની ડમરીઓને રોકવા માટે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવી નથી. આ બેદરકારીને કારણે આસપાસના દુકાનદારો અને રાહદારીઓ શ્વાસ લેવામાં તકલીફ અને ગંદકીનો સામનો કરી રહ્યા છે.
આશ્ચર્યજનક રીતે, નડિયાદ મનપાએ થોડા સમય પહેલા જ શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે બાંધકામ સાઇટો પર લીલી નેટ બાંધવી ફરજિયાત હોવાનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. પરંતુ પોતાની જ કામગીરીમાં મનપા આ નિયમોનું પાલન કરવાનું ચૂકી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
સ્થાનિક વેપારીઓના મતે, જો મનપા દ્વારા કાટમાળ ભરતી વખતે સતત પાણીનો છંટકાવ કરવામાં આવે અથવા સ્પ્રિંકલિંગ મશીનનો ઉપયોગ થાય, તો ધૂળના રજકણોને હવામાં ભળતા અટકાવી શકાય. જોકે, તંત્ર દ્વારા આવી કોઈ વ્યવસ્થા ન કરાતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધૂળને કારણે દુકાનોમાં રાખેલો સામાન પણ ખરાબ થઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.
આ સમગ્ર મામલે નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદળે જણાવ્યું હતું કે નડિયાદમાં આવા મોટા ડિમોલિશન વર્ષોમાં એકાદ વાર જ થાય છે. તેમણે સ્પષ્ટતા કરી કે મોટા શહેરોમાં ધૂળને નિયંત્રિત કરવા માટે વપરાતા ફોગ મશીનની કિંમત ₹1 કરોડથી વધુ હોય છે, જે નડિયાદ જેવા શહેર માટે વસાવવું હાલ શક્ય નથી કારણ કે અહીં સતત મોટા પાયે ડિમોલિશન થતા નથી.
હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં મનપા આ મુદ્દે જાગૃત બનીને પાણીનો છંટકાવ શરૂ કરાવશે કે કેમ. સરદાર ભુવનનો કાટમાળ હજુ પણ મોટા પ્રમાણમાં બાકી હોવાથી વહેલી તકે યોગ્ય પગલાં લેવાય તેવી લોક માંગ ઉઠી છે.