આણંદ: વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવાદો શમવાનું નામ નથી લઈ રહ્યા. અંગ્રેજી વિભાગના 'લાફાકાંડ'ની શાહી હજુ સુકાઈ નથી ત્યાં આજે નર્સિંગના પરિણામોમાં ગેરરીતિ અને પેપર તપાસવામાં રૂપિયા વસૂલવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો સાથે એબીવીપી (ABVP) અને વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પરિસર ગજવ્યું હતું.
નકલી નોટો ઉડાવી અનોખો વિરોધ
આજે સવારથી જ મોટી સંખ્યામાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ખાતે એકઠા થયા હતા. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે પરીક્ષા વિભાગમાં પૈસા લઈને કામ કરવામાં આવે છે અને જે વિદ્યાર્થીઓ નાણાં નથી આપતા તેમને જાણીજોઈને નાપાસ કરવામાં આવે છે. આ ભ્રષ્ટાચારના પ્રતીક રૂપે કાર્યકરોએ યુનિવર્સિટી કેમ્પસમાં નકલી નોટો ઉડાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ એક જ વિષયમાં નાપાસ
વિરોધ કરી રહેલા બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, પરીક્ષા આપ્યાના ત્રણ મહિના બાદ માંડ પરિણામ જાહેર થયું, પરંતુ તેમાં આઘાતજનક વિગતો સામે આવી છે. વિવિધ કોલેજોના ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને એક જ વિષયમાં નાપાસ કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનો દાવો છે કે પેપર સારા ગયા હોવા છતાં ગેરરીતિને કારણે તેમને ઓછા માર્કસ મળ્યા છે.
અધિકારીઓની ખેંચતાણ અને કુલપતિનો ઘેરાવો
આશ્ચર્યજનક બાબત એ રહી કે જ્યારે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે પરીક્ષા વિભાગના અધિકારીઓ જવાબ આપવામાંથી છટકી રહ્યા હતા. રજિસ્ટ્રારે કુલપતિ પર ખો આપી હતી, જેઓ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હતા. અંતે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓનું ટોળું કાર્યક્રમના સ્થળે પહોંચી ગયું હતું અને કુલપતિ બહાર આવતા જ તેમને ઘેરી લઈને નારેબાજી કરી હતી.
તંત્ર ઝૂક્યું: ફરી થશે મૂલ્યાંકન
વિદ્યાર્થીઓના આક્રોશ અને પુરાવાઓને જોતા અંતે યુનિવર્સિટી તંત્રને નમતું જોખવું પડ્યું હતું. સત્તાધીશોએ ખાતરી આપી છે કે વિદ્યાર્થીઓની માંગણી મુજબ નર્સિંગના પેપરોનું એક્સપર્ટ પેનલ દ્વારા ફરીથી મૂલ્યાંકન (Re-evaluation) કરવામાં આવશે. આ ખાતરી બાદ હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે, પરંતુ યુનિવર્સિટીની શાખ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.