નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની તબિયત લથડતા તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, તેમને એક સામાન્ય તબીબી પ્રક્રિયા (minor medical procedure) માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની હાલત સ્થિર છે અને નિષ્ણાત તબીબોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખી રહી છે.
માતા સોનિયા ગાંધીની અચાનક તબિયત બગડતા લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તાત્કાલિક પોતાનો નિર્ધારિત કેરળ પ્રવાસ રદ કર્યો છે. માતાની પડખે રહેવા માટે તેમણે કોઝિકોડમાં યોજાનારી એક રેલીને વર્ચ્યુઅલી સંબોધિત કરી હતી અને જણાવ્યું હતું કે, "એક પુત્ર તરીકે હાલના સમયે તેમની સાથે રહેવું મારી પ્રાથમિકતા છે." આ મુશ્કેલ સમયમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.
સોનિયા ગાંધી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ વર્ષે માર્ચ મહિનામાં પણ તેમને તાવ અને ઈન્ફેક્શનની ફરિયાદ બાદ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગત વર્ષે જૂન મહિનામાં પણ તેમને પેટ સંબંધિત સમસ્યાઓ માટે સારવાર લેવી પડી હતી.
હાલમાં મેદાંતા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા તેમનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને તેમના શુભચિંતકો તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.