અમદાવાદ: વૈશ્વિક સ્તરે બદલાતા સમીકરણોની સીધી અસર ભારતીય વાયદા બજાર (MCX) પર જોવા મળી રહી છે. ગઈકાલે સોના અને ચાંદીમાં જોવા મળેલી ઐતિહાસિક તેજી બાદ આજે બજારમાં મોટું 'કરેક્શન' આવ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામના અહેવાલો વહેતા થતા રોકાણકારોમાં સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીનો ક્રેઝ ઘટ્યો છે, જેને પરિણામે આજે બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓ લાલ નિશાન પર ટ્રેડ કરતી જોવા મળી હતી.
વાયદા બજારમાં આજે ચાંદીના ભાવમાં સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. ગઈકાલે ₹2,39,918 પર બંધ થયેલી ચાંદી આજે સીધી ₹2,35,850 પર ખૂલી હતી. બજારમાં વેચવાલીનું દબાણ એટલું પ્રબળ હતું કે દિવસ દરમિયાન ભાવ ઘટીને ₹2,35,133ની નીચી સપાટીએ પહોંચી ગયા હતા. હાલમાં ચાંદી ₹2,36,443 આસપાસ ટ્રેડ થઈ રહી છે, જે ગઈકાલની સરખામણીએ ₹3,475 જેટલી નીચે છે. જોકે, દિવસના ઉચ્ચ સ્તરથી ગણતરી કરવામાં આવે તો ચાંદીમાં કુલ ₹4,785 જેવો મોટો ઘટાડો નોંધાયો છે, જે ઝવેરી બજાર માટે ચોંકાવનારા સમાચાર છે.
ચાંદીની પાછળ પાછળ સોનાના ભાવમાં પણ આજે પીછેહઠ જોવા મળી છે. સોનું ગઈકાલે ₹1,51,776 પર બંધ રહ્યું હતું, જે આજે સીધું ₹1,50,647ના સ્તરે ખૂલ્યું હતું. બજારના નીચલા સ્તરે સોનાએ ₹1,50,647ની સપાટી સ્પર્શી હતી. હાલમાં સોનું ₹1,51,029 પર ટ્રેડ કરી રહ્યું છે. જો ઓપનિંગ આંકડા અને હાઈ લેવલની સરખામણી કરીએ તો સોનામાં પણ આજે ₹1,129 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. સતત વધતા ભાવમાં આ બ્રેક લાગતા હવે સામાન્ય ખરીદદારો માટે થોડી રાહત થઈ છે.
બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ ઘટાડા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે. પ્રથમ કારણ એ છે કે ગઈકાલે આવેલી જોરદાર તેજી બાદ રોકાણકારોએ આજે મોટા પાયે 'પ્રોફિટ બુકિંગ' (નફો વસૂલવાનું) શરૂ કર્યું છે. બીજું અને મહત્ત્વનું કારણ વૈશ્વિક તણાવમાં થયેલો ઘટાડો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની વાતો અને તેલના ભાવમાં જોવા મળેલી સ્થિરતાને કારણે સુરક્ષિત રોકાણ ગણાતા સોના-ચાંદીની માંગમાં અત્યારે ઓટ જોવા મળી રહી છે, જેને કારણે બજાર નીચે તરફ સરક્યું છે.