Advertisement

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: આયાત જકાત વધ્યા બાદ બજારમાં પ્રોફિટ બુકિંગ, જાણો આજનો લેટેસ્ટ રેટ

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: આયાત જકાત વધ્યા બાદ બજારમાં પ્રોફિટ બુકિંગ, જાણો આજનો લેટેસ્ટ રેટ

અમદાવાદ: ભારતીય બુલિયન માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તેજી પર આજે બ્રેક લાગી છે. કેન્દ્ર સરકાર દ્વારા સોના અને ચાંદી પરની ઈમ્પોર્ટ ટેરિફ (આયાત જકાત) માં ધરખમ વધારો કર્યા બાદ ગઈકાલે જોવા મળેલી તેજી બાદ આજે બજારમાં નફાખોરી (Profit Booking) હાવી રહી હતી. જેને પરિણામે આજે 14 મે, 2026ના રોજ સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.


 આજે ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો છે. MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર ચાંદીનો ભાવ 1.32% એટલે કે અંદાજે ₹3,961 ઘટીને ₹2,96,277 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે. નોંધનીય છે કે અગાઉના સત્રમાં ચાંદી ₹3,00,000ની ઐતિહાસિક સપાટી વટાવી ₹3,00,238 પર બંધ રહી હતી. પરંતુ આજે રોકાણકારોએ નફો વસૂલવાનું શરૂ કરતા ભાવ નીચે આવ્યા છે.


 સોનાના ભાવમાં પણ આજે નરમાશ જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 0.31% ઘટીને હાલ ₹1,61,682 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. દિવસ દરમિયાન સોનાએ ₹1,61,027ની નીચી સપાટી પણ સ્પર્શી હતી. નિષ્ણાંતોના મતે સરકાર દ્વારા આયાત જકાત 6% થી વધારીને સીધી 15% કરવામાં આવતા બજારમાં ભારે અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે.


 બજારમાં આવેલા આ કડાકા પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર માનવામાં આવે છે. પ્રથમ, સરકારે રૂપિયાને મજબૂત કરવા આયાત જકાતમાં કરેલો 9%નો વધારો. બીજું, ગઈકાલની તેજી બાદ રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફાખોરી. અને ત્રીજું, વૈશ્વિક પરિબળો જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બેઇજિંગમાં ચાલી રહેલી મહત્વની બેઠક પર વિશ્વભરના રોકાણકારોની નજર છે.


 આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતી ધાતુઓના ભાવમાં સ્થિરતા અથવા ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે ચાંદી 0.9% ઘટીને $87.18 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે, જ્યારે સોનું $4,688.43 પ્રતિ ઔંસ પર સ્થિર છે. ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે પણ આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં વધ-ઘટ ચાલુ રહેવાની શક્યતા છે.

Advertisement