અમદાવાદ: અક્ષય તૃતીયાના પવિત્ર પર્વ પર દેશભરમાં થયેલી સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી બાદ આજે સોમવારે બજાર ખુલતાની સાથે જ કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રવિવારે અક્ષય તૃતીયા નિમિત્તે અંદાજે 20,000 કરોડ રૂપિયાનો વેપાર થયો હોવાનું અનુમાન છે, પરંતુ આજે 20 એપ્રિલે માર્કેટમાં નોંધપાત્ર નરમી જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ આશરે 1,700 રૂપિયા અને ચાંદીમાં પ્રતિ કિલો 5,400 રૂપિયા સુધીનો ધરખમ ઘટાડો નોંધાયો છે.
બજારના આંકડાઓ મુજબ, આજે સવારના સમયે જૂન ડિલિવરી વાળું સોનું લગભગ 1% ના ઘટાડા સાથે 1,53,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. તેની સામે ચાંદીના ભાવમાં પણ લગભગ 2% નો ઘટાડો જોવા મળ્યો છે, જે ઘટીને 2,52,236 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગઈ છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે અક્ષય તૃતીયા દરમિયાન આવેલી તેજી બાદ હવે પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક બજારના નબળા સંકેતોને કારણે આ ઘટાડો જોવા મળી રહ્યો છે.
મુખ્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,53,250 રૂપિયા અને ચાંદીનો ભાવ 2,53,430 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ રહ્યો છે. દેશના અન્ય શહેરોમાં પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જેમાં મુંબઈમાં સોનું 1,52,960 રૂપિયા અને દિલ્હીમાં 1,52,700 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. સોના-ચાંદીના ભાવમાં આવેલા આ ઘટાડાને કારણે તે ગ્રાહકોમાં ખુશી જોવા મળી રહી છે જેઓ તહેવારના દિવસે ખરીદી કરવાનું ચૂકી ગયા હતા.