Advertisement

સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ: ચાંદીમાં ₹13,600થી વધુનો ઐતિહાસિક કડાકો, સોનું પણ ₹2,500 તૂટ્યું

સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ: ચાંદીમાં ₹13,600થી વધુનો ઐતિહાસિક કડાકો, સોનું પણ ₹2,500 તૂટ્યું

 અમદાવાદ: વૈશ્વિક બજારમાં સર્જાયેલી ભારે ઉથલપાથલ અને ખાસ કરીને ઈરાન યુદ્ધ અંગે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક નિવેદનોની સીધી અસર કિંમતી ધાતુઓના બજાર પર જોવા મળી છે. આજે ભારતીય વાયદા બજાર (MCX) માં સોના અને ચાંદીના ભાવ પત્તાના મહેલની જેમ તૂટ્યા છે. ખાસ કરીને ચાંદીમાં આજે વર્ષનો સૌથી મોટો અને ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં ભારે ગભરાટ ફેલાયો છે. બજારમાં સ્થિતિ એવી સર્જાઈ હતી કે ચાંદીમાં 'લોઅર સર્કિટ' જેવો માહોલ જોવા મળ્યો હતો.


 આજના કારોબારમાં ચાંદીના ભાવમાં અકલ્પનીય ગાબડું જોવા મળ્યું છે. ગઈકાલના ₹2,43,501ના બંધ ભાવ સામે આજે ચાંદીમાં ₹13,613 જેટલો જંગી ઘટાડો નોંધાયો હતો. ટ્રેડિંગ દરમિયાન ચાંદીનો ભાવ એક સમયે ઘટીને ₹2,29,888 ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. હાલમાં ચાંદી ₹2,33,229 ની આસપાસ ટ્રેડ કરી રહી છે, જે આશરે 4.22% નો ઘટાડો દર્શાવે છે. ચાંદીના ભાવ ₹2.30 લાખની મહત્વની સપાટી તોડીને નીચે ઉતરી જતાં નાના વેપારીઓ અને ટ્રેડર્સમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.


 સોનામાં રોકાણ કરનારાઓના પણ આજે લાખો રૂપિયા ધોવાયા છે. સોનાના ભાવમાં આજે અંદાજે ₹2,547 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ₹1,53,708 ના જૂના બંધ ભાવ સામે આજે સોનું ઘટીને ₹1,51,161 ના નીચા સ્તર સુધી પહોંચ્યું હતું. હાલમાં સોનાના ભાવ ₹1,51,600 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. સોનામાં અચાનક આવેલી આ નરમાઈને કારણે બજારમાં ખરીદદારો માટે તક સર્જાઈ છે, પરંતુ રોકાણકારો માટે આ આંચકા સમાન સાબિત થયું છે.


 બજારમાં આવેલા આ કડાકા પાછળ મુખ્યત્વે ચાર કારણો જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. પ્રથમ, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ યુદ્ધ હજુ બે-ત્રણ અઠવાડિયા ખેંચવા અને ભયાનક હુમલા કરવાની ધમકી આપતા વિશ્વ સ્તરે હડકંપ મચી ગયો છે. બીજું, વૈશ્વિક તણાવ વચ્ચે ડોલર ઇન્ડેક્સ મજબૂત થતા સોના-ચાંદી પર દબાણ વધ્યું છે. ત્રીજું, ઉંચા મથાળેથી રોકાણકારોએ મોટા પાયે નફો બુક (Profit Booking) કરવાનું શરૂ કર્યું છે. અને ચોથું, આંતરરાષ્ટ્રીય આર્થિક નીતિઓમાં મોટા ફેરફારની આશંકાએ કિંમતી ધાતુઓની તેજી પર બ્રેક લગાવી દીધી છે.

Advertisement