ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધી ગઈ છે. તેની સીધી અસર ભારતીય કોમોડિટી માર્કેટ પર જોવા મળી રહી છે. આજે સોમવારે સોનું અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. રોકાણકારો માટે દિવસ આંચકાજનક રહ્યો છે, કારણ કે સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹1,195 જ્યારે ચાંદીમાં પ્રતિ કિલો ₹6,084 સુધીનો જંગી કડાકો નોંધાયો છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અગાઉના દિવસનો બંધ ભાવ ₹1,52,652 હતો, જ્યારે આજે બજાર ખુલતાં સોનું ₹1,51,547 પર ઓપન થયું હતું. ₹1,51,601 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું, જે અગાઉના બંધ ભાવથી અંદાજે 0.69 ટકા નીચે છે.
ચાંદીના બજારમાં સોનાની સરખામણીએ વધુ વેચવાલી જોવા મળી રહી છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹2,43,274 હતો. આજે બજાર ખુલતાં જ ભાવ ₹2,38,362 સુધી તૂટી ગયા હતા. હાલ ચાંદી લગભગ ₹2,38,100 ના સ્તર પર ટ્રેડ થઈ રહી છે. ઓપનિંગમાં જ ચાંદી ₹5,000 થી વધુ ઘટી હતી અને કુલ ઘટાડો ₹6,084 સુધી પહોંચી ગયો છે.
વિશ્વભરમાં ભૂ-રાજકીય તણાવ, ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી અનિશ્ચિતતા, તેમજ ડોલરની મજબૂતીને કારણે કિંમતી ધાતુઓમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહી હોવાનું માનવામાં આવે છે. તેના કારણે સોનું અને ચાંદી બંનેમાં તેજી બાદ આજે ભારે વેચવાલી જોવા મળી છે.
હાલ બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે અને નીચલા સ્તરેથી થોડો સુધારો થવાના સંકેતો પણ મળી રહ્યા છે. રોકાણકારો માટે આગામી દિવસોમાં વૈશ્વિક પરિસ્થિતિ અને ડોલરના મૂવમેન્ટ પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે.