Advertisement

સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો: ચાંદીમાં ₹9,400 અને સોનામાં ₹1,600થી વધુનો ભીષણ ઘટાડો, જાણો નવો રેટ

સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો: ચાંદીમાં ₹9,400 અને સોનામાં ₹1,600થી વધુનો ભીષણ ઘટાડો, જાણો નવો રેટ

અમદાવાદ: ભારતીય બુલિયન માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઐતિહાસિક કડાકો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારની અસરો અને રોકાણકારો દ્વારા મોટા પાયે કરવામાં આવેલી નફાખોરીના કારણે કિંમતો ધડામ દઈને નીચે આવી ગઈ છે. સતત આસમાને આંબી રહેલા ભાવમાં અચાનક આવેલા આ ભીષણ ઘટાડાને પગલે ખરીદદારો અને રોકાણકારોમાં ભારે હલચલ મચી ગઈ છે અને બજારમાં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.


મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ચાંદીના ભાવમાં મોટું ગાબડું જોવા મળ્યું છે. ચાંદીનો જુનો બંધ ભાવ ₹2,91,102 પ્રતિ કિલો હતો, જે આજે ₹2,80,000 ના સ્તરે ઓપન થયો હતો. દિવસ દરમિયાન ચાંદી ગગડીને ₹2,79,458 ના નીચલા સ્તરે પહોંચી ગઈ હતી અને હાલમાં તે ₹2,81,666 પર ટ્રેડ કરી રહી છે. આમ, અગાઉના બંધ ભાવથી ચાંદીમાં અંદાજે ₹9,436 (-3.24%) નો મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે આજના દિવસના ઉચ્ચ સ્તરથી જોતા આ કડાકો ₹11,644 સુધી પહોંચી ગયો છે.


બીજી તરફ, સોનાના ભાવમાં પણ આજે નરમાઈ જોવા મળી છે. MCX પર સોનાનો જુનો બંધ ભાવ ₹1,61,978 પ્રતિ 10 ગ્રામ હતો, જે આજે ઘટીને ₹1,60,790 પર ઓપન થયો હતો. કારોબાર દરમિયાન સોનું વધુ તૂટીને ₹1,60,261 ના નીચલા સ્તરે ગયું હતું અને હાલમાં ₹1,60,336 પર જોવા મળી રહ્યું છે. સોનાના ભાવમાં અગાઉના બંધ ભાવથી અંદાજે ₹1,642 (-1.01%) નો ઘટાડો નોંધાયો છે, જે દિવસ દરમિયાનના ઉચ્ચ સ્તરથી જોતા ₹1,717 સુધીનો કડાકો દર્શાવે છે.


કોમોડિટી બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સોના-ચાંદીના ભાવમાં આવેલા આ ભીષણ ઘટાડા પાછળ મુખ્યત્વે રોકાણકારો દ્વારા કરવામાં આવેલી પ્રોફિટ બુકિંગ એટલે કે નફાખોરી જવાબદાર છે. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી રાજદ્વારી વાતચીત તેમજ પર્શિયન ગલ્ફમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે રોકાણકારો અત્યારે ખૂબ જ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડોલરની મજબૂતી અને ભારતીય બજારમાં આયાત જકાતમાં થયેલા ફેરફારની સીધી અસરો પણ આ કિંમતો પર જોવા મળી રહી છે.

Advertisement