વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં આવેલા જબરદસ્ત ઉછાળાની સીધી અસર ભારતીય વાયદા બજાર (MCX) પર જોવા મળી રહી છે. આજે ટ્રેડિંગ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં પ્રચંડ તેજી જોવા મળી, જેના કારણે રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને ચાંદીમાં રેકોર્ડબ્રેક ઉછાળો નોંધાયો છે, જેમાં એક જ દિવસમાં આશરે ₹12,196 જેટલો વધારો થયો છે. ચાંદીનો ભાવ ઊંચામાં 2,36,137 સુધી પહોંચ્યો હતો, જ્યારે હાલમાં તે લગભગ 2,34,550 પર ટ્રેડ થઈ રહી છે, એટલે કે અંદાજે 4.74%નો વધારો નોંધાયો છે.
સોનાના ભાવમાં પણ આજે જોરદાર તેજી જોવા મળી છે. પ્રતિ 10 ગ્રામ સોનામાં ₹5,000થી વધુનો ઉછાળો નોંધાયો છે અને સોનાએ આજે 1,47,925 ની ઊંચી સપાટી સ્પર્શી છે. હાલ સોનું આશરે 1,47,519 પર ટ્રેડ થઈ રહ્યું છે, જે લગભગ 3.74%નો વધારો દર્શાવે છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ભૌગોલિક તણાવ અને ડોલરના મૂલ્યમાં થતા ફેરફારોને કારણે રોકાણકારો સોના અને ચાંદીને સુરક્ષિત રોકાણ તરીકે પસંદ કરી રહ્યા છે, જેના કારણે બજારમાં આ પ્રકારની તેજી જોવા મળી રહી છે.