સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન નોંધપાત્ર રિકવરી જોવા મળી છે. કિંમતી ધાતુઓમાં તેજી હોવા છતાં બંને ધાતુઓ તેમના લાઇફ-ટાઇમ હાઇ કરતાં હજુ પણ ઘણી સસ્તી મળી રહી છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં રેકોર્ડ સ્તરથી ₹1.67 લાખથી વધુનો ઘટાડો નોંધાયો છે, જે રોકાણકારો માટે આકર્ષક તક બની રહ્યો છે.
MCX પર 5 માર્ચ એક્સપાયરી વાળી ચાંદીના ભાવમાં સપ્તાહ દરમિયાન ₹8,584 પ્રતિ કિલોનો ઉછાળો આવ્યો છે. 13 ફેબ્રુઆરીએ ₹2,44,360 પર બંધ થયેલી ચાંદી શુક્રવારે વધીને ₹2,52,944 પર પહોંચી હતી. તેમ છતાં, 29 જાન્યુઆરીના રોજ નોંધાયેલા ₹4,20,048 ના રેકોર્ડ સ્તર સામે હાલનો ભાવ ₹1,67,104 જેટલો ઓછો છે. સ્થાનિક બજારમાં પણ ચાંદી ₹2,42,433 થી વધી ₹2,50,314 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે.
સોનાના ભાવમાં પણ સપ્તાહ દરમિયાન ₹981 નો વધારો નોંધાયો છે. MCX પર 2 એપ્રિલ એક્સપાયરી વાળું સોનું ₹1,55,895 થી વધીને ₹1,56,876 પ્રતિ 10 ગ્રામ થયું છે. સોનાનો ઓલ-ટાઇમ હાઇ ₹1,93,096 રહ્યો હતો, જેના મુકાબલે હાલમાં 24 કેરેટ સોનું લગભગ ₹36,220 જેટલું સસ્તું મળી રહ્યું છે.
Indian Bullion Jewellers Association (IBJA) મુજબ સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,55,066, 22 કેરેટ ₹1,51,340, 20 કેરેટ ₹1,38,010 અને 18 કેરેટ ₹1,25,600 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. નિષ્ણાતોનું માનવું છે કે તાજેતરના મોટા ઘટાડા બાદ બજારમાં ધીમે ધીમે ખરીદી વધતી જોવા મળી રહી છે અને રોકાણકારો ફરી સોના-ચાંદી તરફ વળી રહ્યા છે.