સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬ના પાવન અવસરે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ધામમાં ઐતિહાસિક ક્ષણ સર્જાવા જઈ રહી છે. સોમનાથ મંદિરના ઈતિહાસમાં પહેલીવાર મંદિરના શિખર પર ૧૧ તીર્થોના પવિત્ર જળથી કુંભાભિષેક કરવામાં આવશે. આ વિશેષ ધાર્મિક વિધિ ૧૧મી મેના રોજ યોજાનારી છે, જેને લઈને સમગ્ર સોમનાથ ક્ષેત્રમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬ નિમિત્તે ૧૧મી મેના રોજ સોમનાથ ખાતે ઉપસ્થિત રહેશે. તેઓ સવારના સમયે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે. આ દરમિયાન મંદિર બહાર વિશેષ આયોજન અંતર્ગત ૯૦ મીટર ઊંચી ક્રેનની મદદથી વિશાળ કુંભને મંદિરના શિખર સુધી પહોંચાડવામાં આવશે. કુંભ સાથે બ્રાહ્મણો પણ રહેશે અને મંત્રોચ્ચાર વચ્ચે ૧૧ તીર્થોના પવિત્ર જળથી શિખર પર અભિષેક કરવામાં આવશે.
તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી હેમલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં આ પ્રથમ કુંભાભિષેક છે. સામાન્ય રીતે દક્ષિણ ભારતના મંદિરોમાં ૧૦થી ૧૨ વર્ષના અંતરે મંદિરના શિખર પર અભિષેક કરીને શુદ્ધિકરણ કરવાની પરંપરા જોવા મળે છે, પરંતુ સોમનાથમાં આ વિધિ પ્રથમવાર યોજાઈ રહી છે.
સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬ અંતર્ગત યોજાનારી આ ઐતિહાસિક અને આધ્યાત્મિક વિધિને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર કાર્યક્રમ ભવ્યતા અને વૈદિક પરંપરાના સંગમરૂપ બનશે.