Advertisement

સોમનાથમાં PM મોદીનો ભક્તિમય અવતાર: 'સોમનાથ અમૃતપર્વ'માં સહભાગી થઈ કુંભાભિષેક અને ધ્વજારોહણ કર્યું

સોમનાથમાં PM મોદીનો ભક્તિમય અવતાર: 'સોમનાથ અમૃતપર્વ'માં સહભાગી થઈ કુંભાભિષેક અને ધ્વજારોહણ કર્યું

સોમનાથ: શ્રદ્ધા અને ભક્તિનો સંગમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ આધ્યાત્મિકતા અને વિકાસના સમન્વય સમાન રહ્યો. જામનગરની મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા હતા. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સોમનાથ અમૃતપર્વ-2026'માં વડાપ્રધાને વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ ઐતિહાસિક ક્ષણે સમગ્ર સોમનાથ તીર્થ ક્ષેત્ર શિવમય બન્યું હતું.


ભવ્ય રોડ-શો અને સૂર્યકિરણ એર-શોનું આકર્ષણ સવારે 09:50 વાગ્યે સોમનાથ હેલિપેડ ખાતે આગમન બાદ વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલિપેડથી હમીરજી સર્કલ (સોમનાથ મંદિર) સુધી યોજાયેલા 2 કિમી લાંબા રોડ-શોમાં જનમેદની ઉમટી પડી હતી. આ દરમિયાન વાયુસેનાના 'સૂર્યકિરણ' એર-શોએ આકાશમાં અદ્ભુત કરતબ બતાવી વાતાવરણમાં દેશભક્તિ અને ઉત્સાહનો રંગ ભર્યો હતો. મંદિર પહોંચતા પૂર્વે વડાપ્રધાને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.


કુંભાભિષેક અને અતિરુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ ધાર્મિક વિધિઓના ભાગરૂપે પીએમ મોદીએ મંદિરમાં ચાલી રહેલા હોમાત્મક અતિરુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિમાં બીડું હોમ્યું હતું. ત્યારબાદ મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક વિધિ કરવામાં આવી હતી અને વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ભગવાન સોમનાથના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી વડાપ્રધાને જળાભિષેક કર્યો હતો અને દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.


વડોદરામાં 'બંગાળ થીમ' પર ભવ્ય સ્વાગતની તૈયારી સોમનાથમાં જનસભાને સંબોધ્યા બાદ વડાપ્રધાન બપોરે 03:25 વાગ્યે વડોદરા જવા રવાના થશે. પશ્ચિમ બંગાળમાં મેળવેલી શાનદાર જીત બાદ પીએમ મોદી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી વડોદરામાં ખાસ 'બંગાળ થીમ' પર સ્વાગત આયોજન કરાયું છે. વડોદરામાં તેઓ 'સરદારધામ-3'નું લોકાર્પણ કરશે અને એક વિશાળ જનસભાને સંબોધન કરી પોતાના ગુજરાત પ્રવાસનું સમાપન કરશે.

Advertisement