Advertisement

સોમનાથ : વિરાસતથી વિકાસ સુધીની ૭૫ વર્ષની ગૌરવયાત્રા

સોમનાથ : વિરાસતથી વિકાસ સુધીની ૭૫ વર્ષની ગૌરવયાત્રા

ભારતના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતું પવિત્ર સોમનાથ જ્યોતિર્લિંગ આજે આસ્થા, આધ્યાત્મિકતા અને આધુનિક વિકાસનું અનોખું પ્રતિક બની ગયું છે. સોમનાથના આધુનિકરણના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભવ્ય ‘અમૃત મહોત્સવ’નું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ આપશે. છેલ્લા બે દાયકામાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રાધામના સર્વાંગી વિકાસને નવી દિશા મળી છે.


સોમનાથ મંદિર ખાતે દરરોજ ૨૫ હજારથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, જ્યારે વર્ષ દરમિયાન અંદાજે ૯૭ લાખથી વધુ ભાવિકો અહીં પહોંચે છે. યાત્રિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. સાગર દર્શન સહિતના અતિથિ ભવનો અને આધુનિક સર્કિટ હાઉસ યાત્રિકોને આરામદાયક સુવિધા પૂરી પાડી રહ્યા છે.


યાત્રાધામમાં સમુદ્ર દર્શન પથ પાસે સ્થાપિત ૧૬ ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા અને ૨૦૨ મારુતિ હાટ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મહાદેવને અર્પણ થતું ગંગાજળ શુદ્ધ કરીને ‘સોમગંગા અભિષેક જલ’ તરીકે ભાવિકોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે. ઉપરાંત, સોમનાથનો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ યાત્રિકોમાં ભારે લોકપ્રિય બન્યો છે અને છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦ લાખથી વધુ લોકોએ આ શોનો આનંદ માણ્યો છે.


સોમનાથ સુધી પહોંચવાની સુવિધામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ૮૨૮ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા જેતપુર–સોમનાથ ફોર લેન હાઇવેના કારણે યાત્રા વધુ સરળ બની છે. સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ દ્વારા અમદાવાદથી સોમનાથ સુધીનો પ્રવાસ હવે વધુ ઝડપી અને સુલભ બન્યો છે. સાથે જ કેશોદ એરપોર્ટ અને રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિકાસથી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે સોમનાથ વધુ નજીક બન્યું છે.


પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટે પણ સોમનાથ ટ્રસ્ટ અનેક મહત્વપૂર્ણ પહેલો કરી રહ્યું છે. મંદિરના ફૂલોને વર્મીકમ્પોસ્ટમાં રૂપાંતરિત કરીને બિલ્વ વૃક્ષોના સંવર્ધનમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લાસ્ટિક કચરામાંથી પેવર બ્લોક્સ તૈયાર કરવાની પહેલ પણ હાથ ધરવામાં આવી છે. વરસાદી પાણી સંગ્રહ, જળસંચય અને ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા કરોડો લિટર પાણી શુદ્ધ કરીને તેનો ઉપયોગ વનીકરણ અને સિંચાઈમાં કરવામાં આવી રહ્યો છે. ૭૨ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસિત મિયાવાકી વન દરિયાઈ ખારા પવનો સામે રક્ષણ પૂરું પાડી રહ્યું છે.


ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી પણ ભક્તોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવે શ્રદ્ધાળુઓ ઘરે બેઠા લાઈવ દર્શન, આરતી અને પૂજા-વિધિનો લાભ લઈ શકે છે. રૂમ બુકિંગ, ડોનેશન, મહાપૂજા, રુદ્રાભિષેક તેમજ ધ્વજા પૂજા જેવી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ બનાવવામાં આવી છે. સાથે જ સોમનાથ પ્રસાદી, ચાંદીના સિક્કા અને વસ્ત્ર પ્રસાદી પણ ઓનલાઈન મંગાવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.


આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને આધુનિક વિકાસના સમન્વય સાથે સોમનાથ આજે વૈશ્વિક પ્રવાસનધામ તરીકે આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે. વિકાસના નવા આયામો અને પર્યાવરણપ્રેમી પહેલો સાથે સોમનાથ હવે માત્ર યાત્રાધામ નહીં પરંતુ ભારતની સાંસ્કૃતિક વિરાસત અને પ્રગતિનું પ્રતિક બની રહ્યું છે.

Advertisement