આણંદ જિલ્લાના સોજીત્રા નગરપાલિકામાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ સત્તા પર કબજો જમાવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ પદે ભાજપના રિંકુબેન પટેલ વિજેતા જાહેર થયા છે, જ્યારે ઉપપ્રમુખ પદે ભાજપના કેતનભાઈ કાછીયાની વરણી કરવામાં આવી છે. પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપને 15 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 9 મત મળતા ભાજપનો સ્પષ્ટ વિજય નોંધાયો હતો.
નગરપાલિકાની કારોબારી ચેરમેન તરીકે દુષ્યંત ભટ્ટની પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત દંડક પદે રેખાબેન ભોઈ તથા પક્ષના નેતા તરીકે મહેશભાઈ રાઠોડની વરણી કરવામાં આવી હતી. ભાજપ દ્વારા અગાઉથી જ તમામ હોદ્દેદારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા અને આજ રોજ યોજાયેલી પ્રક્રિયામાં તમામ ઉમેદવારો વિજેતા બન્યા હતા.
સોજીત્રા નગરપાલિકામાં કુલ 24 સભ્યોમાંથી ભાજપના 15 અને કોંગ્રેસના 9 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. બહુમતીના આંક સાથે ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખ પદે સરળતાથી જીત મેળવી સત્તા જાળવી રાખી છે.
વિજય બાદ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો. વિજેતા ઉમેદવારોને કાર્યકરો અને આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.