SIR વિરોધ પ્રદર્શન કેસ: ઇમરાન ખાને હાઈકોર્ટમાં માગી બિનશરતી માફી, ભવિષ્યમાં વિરોધમાં નહીં જોડાવાની આપી બાંહેધરી

SIR વિરોધ પ્રદર્શન કેસ: ઇમરાન ખાને હાઈકોર્ટમાં માગી બિનશરતી માફી, ભવિષ્યમાં વિરોધમાં નહીં જોડાવાની આપી બાંહેધરી

અભિનેતા ઇમરાન ખાનને SIR વિરોધ પ્રદર્શન મામલે બોમ્બે હાઈકોર્ટમાંથી વચગાળાની રાહત મળી છે. અભિનેતાએ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માગવાની સાથે ભવિષ્યમાં આવા કોઈપણ વિરોધ પ્રદર્શનમાં ભાગ નહીં લેવાની બાંહેધરી આપી છે. આ મામલે આગામી સુનાવણી 7 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.

હકીકતમાં, SIR વિરોધ પ્રદર્શનોમાં સામેલ થવાને કારણે ઇમરાન ખાનને 'લીવ ઇન્ડિયા નોટિસ' (LIN) આપવામાં આવી હતી. આ નોટિસને પડકારતાં અભિનેતાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે તેમને બિનશરતી માફી અને ભવિષ્યમાં આવા પ્રદર્શનોમાં ભાગ નહીં લેવાની અન્ડરટેકિંગ રજૂ કરવા જણાવ્યું હતું.

હાઈકોર્ટે OCI કાર્ડ અને નાગરિકતાને લઈને ઉઠાવ્યા સવાલ

ચીફ જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની બેન્ચે સુનાવણી દરમિયાન ઇમરાન ખાનની OCI નાગરિકતા સ્થિતિને લઈને અનેક સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે ઇમરાન ભારતીય નાગરિક નથી અને તેઓ SIR પ્રક્રિયાથી સીધી રીતે પ્રભાવિત પણ થતા નથી. આવી સ્થિતિમાં તેમણે વિરોધ પ્રદર્શનમાં જોડાવાનું કારણ સમજાવવું જોઈએ.

કોર્ટે એ પણ સવાલ કર્યો હતો કે જો ઇમરાન બાળપણથી ભારતમાં રહે છે, તો તેમણે ભારતીય નાગરિકતા માટે અરજી કેમ કરી નથી? જો તેઓ OCI કાર્ડધારક તરીકે જ રહેવા માગતા હોય, તો ભવિષ્યમાં આવા વિરોધ પ્રદર્શનોમાં ભાગ નહીં લેવાની બાંહેધરી આપવી પડશે.

સેલિબ્રિટી તરીકે જવાબદારી નિભાવવાની ટકોર

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ઇમરાન ખાનને સેલિબ્રિટી તરીકેની જવાબદારી યાદ અપાવી હતી. કોર્ટે કહ્યું કે જાણીતી વ્યક્તિઓ પાસેથી સમાજમાં જવાબદારીપૂર્વક વર્તવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ ઉપરાંત, પ્રદર્શન દરમિયાન લોકોને ઉશ્કેરવાના મુદ્દે પણ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને બિનશરતી માફી માગવા જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારને 'વસુધૈવ કુટુંબકમ્'ની યાદ અપાવી

હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ભારતના 'વસુધૈવ કુટુંબકમ્'ના સિદ્ધાંતની યાદ અપાવી હતી. કોર્ટે નિર્દેશ આપ્યો કે ઇમરાન ખાનને તેમની સામે જારી કરવામાં આવેલી લીવ ઇન્ડિયા નોટિસનો જવાબ આપવા માટે પૂરતો સમય આપવામાં આવે.

કોર્ટે હાલ પૂરતી ઇમરાન ખાનને રાહત આપતાં જણાવ્યું કે આગામી સુનાવણી સુધી તેમની સામે જારી કરવામાં આવેલી લીવ ઇન્ડિયા નોટિસ પર રોક રહેશે. એટલે કે હાલ તેમને દેશ છોડવાની જરૂર નહીં પડે.

7 ડિસેમ્બરે ફરી થશે સુનાવણી

આ કેસમાં હવે આગામી સુનાવણી 7 ડિસેમ્બરે થશે. ત્યાં સુધી કેન્દ્ર સરકારને પણ પોતાનો જવાબ રજૂ કરવાનો રહેશે. બીજી તરફ, ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) દ્વારા 17 ઑક્ટોબરે ઇમરાન ખાનનું OCI કાર્ડ રદ કરવા અંગે અલગથી કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી હતી.

હવે 7 ડિસેમ્બરની સુનાવણીમાં લીવ ઇન્ડિયા નોટિસ અને OCI કાર્ડ રદ કરવાના મામલે આગળની કાનૂની કાર્યવાહી અંગે સ્પષ્ટતા થવાની શક્યતા છે.