Advertisement

SIR પ્રક્રિયામાં ફોર્મ નં. 7ના દુરુપયોગ મુદ્દે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિનો જન આક્રોશ, રેલી દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ

SIR પ્રક્રિયામાં ફોર્મ નં. 7ના દુરુપયોગ મુદ્દે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિનો જન આક્રોશ, રેલી દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ

SIR (Special Intensive Revision) પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી નામ કાપવા માટે ફોર્મ નં. 7ના વ્યાપક દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ કરી આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો, આગેવાનો અને સમર્થકો જોડાયા હતા.


રેલી દરમિયાન કોંગ્રેસ કાર્યકરો દ્વારા રાજ્ય સરકાર અને ચૂંટણી તંત્ર સામે ઉગ્ર નારા લગાવવામાં આવ્યા હતા. મતાધિકાર પર પ્રહાર થઈ રહ્યો હોવાનો આરોપ મૂકતા કાર્યકરોએ લોકશાહી બચાવવા માટે સંઘર્ષ કરવાની ચેતવણી આપી હતી.


રેલી દરમિયાન કલેક્ટર કચેરી તરફ આગળ વધવાનો પ્રયાસ કરતા કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સ્થિતિ તણાવપૂર્ણ બનતા પોલીસે બેરિકેડિંગ કરી કાર્યકરોને અટકાવ્યા હતા. થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જો કે પોલીસની સમજાવટ બાદ પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.


આ પછી કોંગ્રેસના પ્રતિનિધિમંડળ દ્વારા આણંદના કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં SIR પ્રક્રિયામાં ફોર્મ નં. 7ના દુરુપયોગની તપાસ કરવાની માંગ સાથે ગેરરીતે કાપવામાં આવેલા મતદારોના નામ પુનઃસ્થાપિત કરવાની રજૂઆત કરવામાં આવી હતી.


કોંગ્રેસ આગેવાનોએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આ મુદ્દે તાત્કાલિક ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બીજી તરફ, પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પગલાં લીધા હોવાનું જણાવ્યું હતું.

Advertisement