સિંધરોટ ઉમેટા બ્રિજ પર પોલીસે બેરિકેડ હટાવી ટેમ્પો જવા દીધો
કાયદાનું પાલન કરાવવાની જવાબદારી જેમના ખભે છે, એ જ ખભે આજે નિયમોના લીરેલીરા ઉડાડવાનું કામ કર્યું છે. ગંભીરા બ્રિજની હોનારત બાદ તંત્રએ ઉમેટા બ્રિજ પર ભારે વાહનો માટે નો-એન્ટ્રીના બોર્ડ અને લોખંડની એંગલો મારી હતી. પરંતુ આ એંગલો પોલીસની નીતિ સામે ટૂંકી પડી રહી હોય તેમ જણાય છે.
મંગળવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ સિંધરોટ ચેકપોસ્ટ પર જે દ્રશ્યો જોવા મળ્યા તે કાયદાના શાસક માટે શરમજનક છે. માર્ગ પ્રતિબંધિત હોવા છતાં એક આઈસર ચાલક માટે પોલીસ કર્મીએ જાતે બેરિકેડ હટાવી આપી બ્રિજ પસાર કરાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલોના ઊભા થયા છે. તંત્રએ બ્રિજને ભારે વાહનો માટે જોખમી ગણાવ્યો હોય, ત્યારે તેને પસાર કરાવવો એ માત્ર બેદરકારી નથી પણ ગુનાહિત કૃત્ય છે. આ મામલે જવાબદારો સામે કડક પગલાં નહીં લેવાય, તો આવનારા સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશેની ભીતિ સર્જાશે.