નવી દિલ્હી: સામાન્ય રીતે આપણે મિત્રો કે સંબંધીઓની મદદ કરવાના આશયથી તેમની લોનમાં ગેરંટર (જામીન) બની જતા હોઈએ છીએ, પરંતુ સુપ્રીમ કોર્ટનો તાજેતરનો એક ચુકાદો ગેરંટર બનનારા લોકો માટે લાલબત્તી સમાન સાબિત થયો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે અત્યંત કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે, 'ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ' (IBC) હેઠળ જો કોઈ લોન ડિફોલ્ટ થાય, તો બેન્ક મુખ્ય લેણદાર (ઉધાર લેનાર) અને કોર્પોરેટ ગેરંટર બંને સામે એકસાથે વસૂલાતની પ્રક્રિયા (CIRP) શરૂ કરી શકે છે. કોર્ટે ભારતીય કરાર અધિનિયમની કલમ 128નો હવાલો આપતા જણાવ્યું કે, લોન ચૂકવવાની જવાબદારી જેટલી ઉધાર લેનારની છે, કાયદાની નજરમાં તેટલી જ જવાબદારી ગેરંટરની પણ બને છે.
અત્યાર સુધીના નિયમો મુજબ, જો એક જ લોન માટે બે ગેરંટર હોય, તો બેન્કોએ વારાફરતી કાયદાકીય કાર્યવાહી કરવી પડતી હતી, જેના કારણે વસૂલાતમાં વર્ષો વીતી જતા હતા. જોકે, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે જૂના ચુકાદાઓને રદ કરી નાખ્યા છે. હવે બેન્કો પોતાની બાકી રકમ વસૂલવા માટે લેણદાર અને તમામ ગેરંટરો સામે એક જ દિવસે કેસ દાખલ કરવા માટે સ્વતંત્ર છે. આ નિર્ણયથી બેન્કોને મોટી રાહત મળી છે, પરંતુ જે લોકોએ બીજાના વિશ્વાસે સહીઓ કરી છે તેમની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.
સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે હવે ગેરંટરની અંગત મિલકતો પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. આ ચુકાદા બાદ ગેરંટર એવું વિચારીને નિશ્ચિંત નહીં રહી શકે કે કંપની કે લેણદારની મિલકતની હરાજીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં સુધી તેઓ સુરક્ષિત છે. જો ઉધાર લેનારની મિલકત વેચાયા પછી પણ બેન્કનું દેવું પૂરેપૂરું ભરપાઈ ન થાય, તો બેન્ક બાકીના પૈસા વસૂલવા માટે ગેરંટરની પર્સનલ ફિક્સ ડિપોઝિટ (FD), બેન્ક બેલેન્સ, મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય પ્રોપર્ટી પણ જપ્ત કરી શકે છે. આમ, હવે સંબંધો સાચવવામાં કોઈની લોનમાં ગેરંટર બનતા પહેલા તેની આર્થિક સધ્ધરતા અને ગંભીરતા સમજવી અત્યંત અનિવાર્ય બની ગઈ છે.